ગુજરાતમાં લગભગ એક દશકા બાદ હવે જંત્રીદરમાં વધારો કરવા રાજય સરકારે મંજૂરી આપી છે. કલેક્ટર દ્વારા હવે નજીકના જ દિવસોમાં આ બાબતે સર્વે કરાયા બાદ તેને અંતિમ ઓપ અપાશે. લગભગ એક દાયકા બાદ રાજયમાં જંત્રીદર વધારવા સ્ટેમ્પ ડયુટી વિભાગ દ્વારા તમામ કલેકટર્સ સાથે બેઠક યોજી એ દિશામાં તેમાં આગળ વધવા લીલીઝંડી આપી છે.
ગુજરાતમાં ચોતરફી વિકાસ સર્જાયો છે અને જમીનના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ સંજોગોમાં મિલકત અને જમીનના લે-વેચમાં ઉપયોગમાં લેવાતી જંત્રીના દર નીચા અને અસમાન છે. ખાસ્સા સમયથી કોઈને કોઈ કારણોસર આ દર નક્કી કરવાની પ્રક્રીયા વિલંબમાં મુકાઈ રહી હતી. તેમાં સુધારો કરવાનું ટળી રહ્યું હતું. હોવાનું લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું. જોકે, હવે સામે એવા કોઈ કારણો ન હોવાથી અંતે રાજય સરકારે જંત્રીદર વધારવા મંજૂરી આપી છે
તૈયારીઓ વચ્ચે જે બાબત સામે આવી રહી છે એ અંગે ઉચ્ચ સ્તરીય સુત્રોના દાવા પર વિશ્વાસ કરીએ તો, પ્રથમ વખત જંત્રીદર વધુ તાર્કીક બનાવવા પ્રયત્ન થયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે, એક જ વિસ્તારમાં અલગ અલગ જંત્રીદર હોઈ શકે છે ઉદાહરણ તરીકે કોમર્શિયલ ઝોન કે સ્કુલ નજીકના જંત્રીદર તેમજ સ્મશાનઘાટ નજીક હોય તેવી જગ્યાઓના જંત્રીદર હાલ ભલે એક જ એરિયામાં હોય તો સમાન છે પરંતુ નવી વ્યવસ્થામાં એ અલગ અલગ રાખવાનું આયોજન થયું છે.
રાજયમાં બિલ્ડર એસોસિએશનની સેન્સ જ્યારે આ બાબતે લેવામાં આવી તો સરકાર આ બાબતે અનેક પ્રસ્તાવ રજૂ થયા હતા. એ અનુસાર, નિષ્ણાંતોનું કહેવું હતું કે, ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) એફએસઆઈ તથા જમીનના રૂપાંતર દર જો તેની સાથે જ વધારાશે તો રિયલ એસ્ટેટને માઠી અસર પહોંચી શકે છે કેમકે, હાલ પણ આ દરો ખાસ્સા ઊંચા છે. એસોસિએશનનું એવું પણ કહેવું હતું કે, નવા દરનો અમલ કરતા પહેલા કમસેકમ છ મહિનાનો સમય આપવો જરૂરી છે. કોરોનાકાળના બે વર્ષ બાદ ગુજરાતમાં માંડ હવે રિયલ એસ્ટેટ તેજીના રસ્તે આગળ વધી રહ્યું હોવાથી મોટા પ્રોજેક્ટ સાથે અનેક બાંધકામો પાઈપલાઈનમાં છે અને જો જંત્રીદર વધશે તો તેની અસર આ પ્રોજેક્ટ પર પડશે. જંત્રીના કારણે ભાવવધારાથી ખરીદનાર તથા બિલ્ડર બંને માટે નવા કમઠાણ પણ ઊભા થઈ શકે છે.