સ્પેનના સિંગલ મધર દ્વારા જામનગર સ્થિત શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને દત્તક લેવા ઇચ્છા વ્યકત કરવામાંં આવી હતી. સરકારી નિયમોનુસારની તમામ કાર્યવાહી પુર્ણ કરી લાગણીસભર દ્રશ્યો વચ્ચે બાળકની જરૂરીયાતની તમામ વસ્તુઓ સાથેે બાળકની પૂરતી સાર સંભાળ રાખવાની સુચના સહ દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, જામનગરના તાબા હેઠળ કાર્યરત શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહમાં એક સ્પેશિયલ ચાઈલ્ડનું ભરણપોષણ થઈ રહ્યું હતું. આ સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું છે.
સ્પેનથી પોતાના પરિવાર સાથે ગુજરાત પહોંચેલી મહિલાએ જણાવ્યું હતું કે, મે સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જામનગરના સ્પેશિયલ ચાઈલ્ડની માતા બનીશ. મારુ માં બનવાનું સ્વપ્ન આજે પૂરું થયું છે. આજનો દિવસ મારા માટે યાદગાર બની રહેશે. સ્પેનથી આવેલી આ મહિલાએ કલેક્ટર, જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તૂર બા સ્ત્રી વિકાસ ગૃહનો લાગણીસભર શબ્દોમાં આભાર વ્યક્ત કર્યો હતો.
વિકાસગૃહ દ્વારા બાળકને તેની દત્તક માતાને સોંપવામાં આવ્યું તે દરમિયાન તેઓએ બાળકની તમામ જરૂરિયાતની વસ્તુઓ પણ સાથે આપી હતી.આ કાર્યક્રમમાં નિવાસી અધિક ક્લેક્ટર બી.એન.ખેર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. આર. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર, કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.