57 લોકોનો ભોગ લેનાર બોટાદના લઠ્ઠાકાંડથી ગુજરાતની દારૂબંધી કેટલી પોકળ છે એ બહાર આવી રહ્યું છે. લોકોમાં તો આ ઘટના બાદ રોષ છે અને સોશિયલ મિડીયા પર ઝળકી જ રહ્યો છે. સાથે લઠ્ઠાકાંડની તપાસના ફણગાંઓ સિસ્ટમના સડાને જે રીતે ઉજાગર કરી રહ્યા છે એ પણ લઠ્ઠાકાંડથી ઓછા ભયાનક નથી. હાલ લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસને દેશી-વિદેશી દારૂના બૂટલેગરો ઉપર તૂટી પડવા આદેશ અપાયા બાદ દારૂની શોર્ટેજ છે પણ સવાલ એ છે કે ક્યાં સુધી
દિલ્હી સુધી પડઘાં પડ્યા બાદ અને ગુજરાત મોડેલના નામે દેશભરમાં લોકોને મોકો મળ્યા બાદની કાર્યવાહીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બે દિવસ પહેલાં મુંબઈ એરપોર્ટ ઉપરથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના 33 ગુનામાં ફરાર એવા મહારાષ્ટ્રના લિસ્ટેડ બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી હતી. ગોરખ ઉર્ફ પિન્ટુ ગઢવી હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. પિન્ટુની તપાસ દરમિયાન તેણે કરેલી કબૂલાતોથી ખાસ કરીને તાપીથી વાપી સુધીમાં દારૂના ધંધા પર સાહ્યબી કરતાં પોલીસોને પરસેવો પડી ગયો છે કે તેણે છ જ મહિનામાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં 200 કરોડ રૂપિયાનો દારૂ ઘૂસાડ્યો હતો. વલસાડ-વાપીમાં સામાન્ય પરિવારને તમરી બતાવતાં પોલીસોને એ કેમ ન દેખાયો એ હવે સવાલોના જવાબ મેળવવા રહે છે.
ગોરખ ઉર્ફે પિન્ટુએ રિમાન્ડ દરમિયાન જે સ્ટેટ મોનિટરિંગ સેલ સમક્ષ ઓક્યું છે એ દક્ષિણ ગુજરાતની ભ્રષ્ટ રસમો માટે અતિથી વધારે ખતરનાક છે અને તેના છાંટા ઉડ્યા વગર રહે તેમ ન હોવાથી હવે કાર-બંગલાઓની સાહ્યબી ધરાવતાં પોલીસ પરસેવે રેબઝેબ થવા લાગી છે. પિન્ટુ ગઢવીનું કહેવું છે કે એ દર મહિને ગુજરાતમાં દારૂનું વેચાણ કરીને જ 30 કરોડથી વધુની કમાણી કરી લેતો હતો.આ ત્યારે જ શક્ય હોય જ્યારે કરોડો રૂપિયા તેમાંથી એ પોલીસને આંખ પર પટ્ટી બાંધતું સેક્શન આપતો હોય
પિન્ટુ ગઢવીએ ત્યાં સુધી રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી છે કે અનેક આઈપીએસ અધિકારીઓ સાથે તેના ઘરોબા છે. જે આઈપીએસ અધિકારી સામાન્ય વર્ગ સાથે અધિકારીપણું બતાવતા હોય છે એ આવા બૂટલેગરોના હાથા બનીને કેવી રીતે સિસ્ટમમાં સડો ઘુસાડે છે એ દિશામાં પણ તપાસ શરૂ થઈ છે. પિન્ટુ ગઢવીના રિમાન્ડ દરમિયાન હજી ઘણાં નામો પણ ખૂલશે અને સાંઠગાંઠની રસમો પણ જાહેર થશે તેવો દાવો સ્ટેટ પોલીસ તરફથી હાલ થઈ રહ્યો છે.
ગુજરાતની તમામ આંતર રાજ્ય સરહદો કરતાં દક્ષિણ ગુજરાત સૌથી સુરક્ષિત એટલે કે સ્વર્ગ સમી બૂટલેગરોને લાગતી હોય છે. લિસ્ટેડ બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગઢવી (રહે.નવાપુર, તા.નંદુરબાર, મહારાષ્ટ્ર) સામે દારૂની હેરાફેરી કરવાના 33થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તે મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં સરળતાપૂર્વક સૌથી વધુ પ્રમાણમાં દારૂ ઘૂસાડતો હોવાનું પણ રિમાન્ડમાં કબૂલી ચૂક્યો છે. સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. 2019માં આ ગુનો નોંધાયા બાદ તે મહારાષ્ટ્ર નાસી ગયો હતો અને ત્યાંથી જ તે દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તે ગોવા એરપોર્ટથી મુંબઈ એરપોર્ટ આવતો હોવાની બાતમી મળતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે તેની ધરપકડ કરી હતી.