કેરળમાં નિયત સમય કરતાં નૈઋત્ય ચોમાસુ ત્રણ દિવસ વહેલું પહોંચી ગયા બાદ આગળ વધી રહ્યું છે. દમણ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આવતા સપ્તાહમાં પ્રિમોન્સુન એક્ટીવીટીના ભાગરુપે આંધી અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની વકી છે. હવામાન વિભાગનું માનવું છે કે, આગામી બે-ત્રણ દિવસોમાં થંડર સ્ટ્રોમ જેવી એક્ટિવિટી જોવા મળી શકે છે.
ગુજરાત હવામાન ખાતાના વડા ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવતા બે-ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં હળવા થંડર સ્ટ્રોમ એક્ટીવીટીની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દમણ, વલસાડ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ એક્ટીવીટી ઉભી થઇ શકે છે.
આ એક્ટીવીટીમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાય છે. હવાના દબાણમાં થનારા ફેરફારને લીધે આ સ્થિતિ સર્જાતી હોય છે. ચોમાસાના આગમન પૂર્વે પશ્ચિમ અને અરબી સમુદ્રથી આવતા પવનના દબાણથી આંધી જેવા પવનો ઊઠે છે. સમુદ્રમાં બનતા વાવાઝોડા કરતાં થંડર સ્ટ્રોમની તાકાત એકંદરે ઓછી હોય છે. જે ગરમીથી ચોક્કસ રાહત આપી જશે.
રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી ગરમીનો માહોલ સર્જાયો છે અને તાપમાનમાં પણ વધારો થઇ રહ્યો છે તેમાં હવે આવતા સપ્તાહથી તેમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે નૈઋત્ય ચોમાસુ કેરળમાં વહેલુ બેસી ગયા બાદ આગળ વધીને કર્ણાટક સુધી પહોંચી ગયું છે અને હવે આવતા દિવસોમાં ગોવા, કોંકણ સુધી પહોંચી શકે છે ત્યારબાદ મહારાષ્ટ્ર, મુંબઈમાં એન્ટ્રી થયા પછી ગુજરાતનો વારો આવશે. આ સમયગાળાને લગભગ 15 દિવસ લાગતા હોય છે એ હિસાબે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમનની શક્યતા છે.