સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવતાં કેફી પીણાંના કૌભાંડમાં પોલીસ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. તપાસનો દૌર હજી સંખ્યાબંધ લોકો તરફ લંબાય તેવી શક્યતા છે. હકીકતમાં આયુર્વેદ બાબતે સરકાર દ્વારા આલ્કોહોલ બાબતે નિયત નિયમોની છૂટછાટનો દુરુપયોગ કરી અને ચાલાકીપૂર્વક આયુર્વેદિક પીણાંના નામે આસવ અરિષ્ઠા આલ્કોહોલિક બિયરનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો હતો. અત્યાર સુધીની પોલીસ તપાસના તથ્યોનું માનીએ તો જોતજોતામાં કંપનીમાં વાર્ષિક 80 થી 90 લાખ જેટલી બોટલનું પ્રોડક્શન તેમજ આશરે રૂપિયા 20 થી 22 કરોડ રૂપિયાનું વેચાણ થતું હોવાનું જાહેર થયું છે. આયુર્વેદિક પીણાંના નામ પર આરોગ્યને હાનીકારક એવું કેફી પીણું ભરી સીરપની બોટલનો વેપલો તોડવા તોતિંગ જથ્થો પોલીસ અત્યાર સુધી ઝડપી ચૂકી છે તો સાથે ધરપકડનો દૌર પણ ચાલી રહ્યો છે. આ પ્રકરણમાં નશાબંધી અધિકારી સહિત ચાર શખ્સો ફરાર જાહેર છે.
સંજય શાહ નામના એક ભેજાબાજે થોડા સમય પૂર્વે હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની બનાવી સાથે અમિત વસાવડા તેમજ રાજેશ દોકળે અને માર્કેટિંગ અને પ્રોડક્શનનું કામ સંભાળતા સુનિલ કક્કડ જેવા લોકોને જોડી આયુર્વેદિક ઔષધીઓનો કાયદાકીય છૂટછાટનો ગેરલાભ ઉઠાવી અને ચાલાકીપૂર્વક કરોડો રૂપિયાનો ધીકતો ધંધો ફેલાવ્યો હતો. તેઓ વ્હાઈટ કોલર બૂટલેગર્સ બની ચાલાકીપૂર્વક આયુર્વેદિક પીણાંના નામે આલ્કોહોલિક બિયરનો ધંધો કરતા હતા. જે કંપનીમાં વાર્ષિક 80 થી 90 લાખ જેટલી બોટલનું પ્રોડક્શન તેમજ આશરે રૂપિયા 20 થી 22 કરોડ રૂપિયાનું વેચાણ રેકર્ડ પર કરી નાખ્યું હતું.
મજાની વાત એ છે કે, આયુર્વેદ ઔષધ અંગે કોઈપણ લાયકાત ન ધરાવતાં અમિત વસાવડાએ સીરપમાં આયુર્વેદિક ફોર્મ્યુલા ઘડી હતી. પોલીસે ભાંડો ફોડ્યા બાદ જ્યારે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો જાણકારી મળી કે, આ પ્રોડક્ટમાં લેબલમાં દર્શાવેલા માપ કરતા આયુર્વેદિક તત્વો નહીવત્ માત્રામાં ઉમેરાયા હતા. આ ગઠીયાઓનો ઇરાદો શરૂઆતથી જ આસવ અરિષ્ઠાના નામે બિયર બનાવવાનો હતો. પીણામાં બીયરનો સ્વાદ અને સુગંધ આવે તે માટેની તકેદારી રાખવામાં આવતી હતી.
પોલીસે ગુજરાત બ્રેકિંગને જણાવ્યા મુજબ, આસવ અરિષ્ઠામાં ધારાધોરણોને અનુસરતાં 12 ટકા આલ્કોહોલ વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેનો હેતુ ઔષધીય તત્વોનું પ્રિઝર્વેશન 10 વર્ષ સુધી થઈ શકે તે બાબતે હતો. પરંતુ તેના કરતાં વિશેષ ટકાવારી ઉમેરી તેમણે રીતસર કેફી પીણું જ બનાવી દીધું હતુ એટલું જ નહીં પ્રિઝર્વેટીવ અને ક્લિનિંગ પાઉડરનો ઉપયોગ તેમજ બિયર જેવો ટેસ્ટ લાવવા હોપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આ અંગે ફોર્મ્યુલેશન સ્ટીકર પર કોઈ ઉલ્લેખ થતો ન હતો. એટલે કે સરકારી ધારાધોરણોના ધજાગરાં ઊડાવીને સીરપ બનતું હતું. ના તો અહીં કોઈ આયુર્વેદના જાણકાર કે અભ્યાસ કરેલા વ્યક્તિઓ હતા ન તો ક્વોલિટી કંટ્રોલ લેબ. વ્હાઈટ કોલર બૂટલેગર્સના સેટિંગ એ હદે હતી કે, આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ઇન્સ્પેક્શન કરવા પણ પહોંચ્યું ન હતું. જ્યારે રાજ્ય સરકારના નશાબંધી અધિકારી મેહુલ ડોડીયાએ પેઢીમાં દરોડો પાડ્યો તો કંપનીના સિસ્ટમ મેનેજમેન્ટ માટે તેમને પાર્ટનર બનાવી દેવાયા મેહુલ ડોડીયાએ પણ નશાબંધી ખાતામાંથી વીઆરએસ લઈ અને રિટાયરમેન્ટ બાદ શિવમ એન્ટરપ્રાઇઝમાં પાર્ટનર તરીકે જોડાવાનું આગોતરું આયોજન કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારીએ ખંતપૂર્વક આ બાબતોનો ભેદ ઊજાગર કરવામાં રાતદિવસ એક કર્યા અને સમગ્ર કૌભાંડની કમર તોડી નાખી છે. તેમના જણાવ્યા અનુસાર, કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ સોશિયલ મીડિયા પર મેસેન્જર્સની મદદથી જાળ બિછાવતાં હતા. જાહેરમાં તેઓ સિરપની કોઈ વાત ન કરતાં હતા પરંતુ ચેક યોર ઈનબોક્સ, ઈનબોક્સ મી એમ કહી લોકોનો સંપર્ક કરતાં હતા અને વેચાણ માટે લોભામણી સ્કીમ સમજાવતા હતા.
પોલીસે સમગ્ર કૌભાંડ સંદર્ભે સંખ્યાબંધ વેચાણકર્તાઓ ઉપરાંત મોટા માથા કહેવાતાં ઓખાના નિલેશ ભરત કાસ્ટા, ખીજદડના વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, જામનગરના અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદના સુનીલ સુરેન્દ્ર કક્કડ, વાપીના આમોલ અનિલ ભાવે, ઉમરગામના ભાવિક ઇન્દ્રવદન પ્રેસવાલા, તેમજ અમિત લક્ષ્મીપ્રસાદ વસાવડા નામના આઠ આરોપીઓને તો જેલના સળીયા ગણાવ્યા બાદ કંપનીના સંચાલક સંજય પન્નાલાલ શાહ, નશાબંધીના નિવૃત્ત અધિકારી મેહુલ રામશી ડોડીયા, સેલ્સ પ્રોડક્શન અને માર્કેટિંગના રાજેશ ગોપાલકુમાર દોકળે તેમજ પંકજ પ્રભુદાસ વાઘેલાને વોન્ટેડ જાહેર કર્યા છે.