કોરોનાની ત્રીજી લહેરથી લોકોને કોરોનાનો ડર જાણે સહેજે રહ્યો જ નથી.બે ડોઝમાં સરકારનું અભિયાન ચાલ્યું ત્યાં સુધી વાત બરાબર હતી પરંતુ બુસ્ટર ડોઝ બાબતે લોકો આગળ આવવામાં બેદરકાર થઈ ગયા છે. ગુજરાતની વાત કરીએ તો સરેરાશ 100માંથી 1 વ્યક્તિએ પણ રાજ્યમાં બૂસ્ટર ડોઝ લીધો નથી. 18થી 59 વર્ષના લોકો માટે 10મી એપ્રિલથી બૂસ્ટર ડોઝ આપવાનું શરુ થયું છે. અત્યાર સુધીમાં માત્ર 29507 લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે જે ટકાવારીની દ્રષ્ટિએ ફક્ત 0.76 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પીટલો મારફત બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. રસીનો રૂા. 225નો ભાવ પણ જાહેર કર્યો હતો. હોસ્પિટલોને 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ લેવાની છુટ આપી હતી. કોરોના રસીનો બીજો ડોઝ લીધાના નવ મહિના પછી આ બુસ્ટર ડોઝ લઇ શકાય છે.
રાજ્યનાં આરોગ્યવિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ, હવે નાના આરોગ્ય કેન્દ્રોને પણ બૂસ્ટર ડોઝ પણ આપવાની વ્યવસ્થા કરવા કહેવાયું છે એટલે આવતા દિવસોમાં ઝડપ વધશે. રસપ્રદ વાત એ છે કે સરકારે સિનિયર સિટીઝન તથા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને બુસ્ટર ડોઝ નિઃશુલ્ક આપ્યો હતો. 58.73 લોકોએ આ ડોઝ લઇ લીધો છે.આ સિવાય 44.36 લાખ લોકો તેમાં પાત્ર હતા તે પૈકીના 2605 લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. આરોગ્ય વિભાગના સુત્રોએ કહ્યું કે કોરોના રસી કાયમી ધોરણે મફત મળે તે માનવું વધુ પડતું છે. ગરીબ લોકો માટે કોર્પોરેટ કંપનીઓને મદદ કરવા અપીલ કરવામાં આવશે.