ઈમાનદારીપૂર્વક નોકરીમાં એક પોલીસ અધિકારીને પણ ખરીદવો મુશ્કેલ પડે એ આઈફોન-15 સામાન્ય ફરજમાં વાપરતી મહિલા હોમગાર્ડને જ મોબાઈલ સ્નેચર્સનો ભેટો થયો છે. આ ઘટનાથી લોકોમાં ભારે ચર્ચાઓ સવારથી ઊઠી રહી છે જે સુરતની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે છે. મોબાઈલ અને ચેઈન સ્નેચિંગ કરતાં તત્વો શહેરમાં માઝા મૂકી રહ્યા છે, જેમાં પોલીસ કર્મીઓ પણ સુરક્ષિત નથી. બાઈક સવાર મગોબ વિસ્તારમાંથી રૂ.74 હજારનો આઈફોન 15 ઝુંટવી બિન્દાસ્ત ફરાર થઈ ગયા છે.
લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતી 24 વર્ષીય મહિલા હોમગાર્ડ જીનલ પંકજભાઈ રાવલીયાએ 23મી સપ્ટેમ્બરે જ રૂ.74 હજારમાં આઈફોન-15 ખરીદ્યો હતો. આ મહિલા હોમગાર્ડ તેના મિત્ર નિતીન સાથે સાળંગપુર મંદિરે જવા શુક્રવારે રાત્રે નીકળવાની હતી. ગત 6 તારીખની રાત્રે જ્યારે દસેક વાગ્યાના અરસામાં જીનલ રાવલીયા બીઆરટીએસ પાસેથી ઘરેથી નીકળીને પગપાળા મગોબ બીઆરટીએસ પાસે સત્યમ શિવમ હાઇટ્સ નજીક મિત્ર નિતીનને ફોન કરવા આઇફોન નીકાળ્યો તો પાછળથી રુમાલથી મોં ઢાંકીને બાઈક પર સવાર યુવકે પલક ઝપકમાં જ તેનો ફોન ખેંચી લઈ નાસી છૂટ્યો હતો.,
હોમગાર્ડ જીનલે ચોરચોરની બૂમો પાડી અને લોકો જમા થાય ત્યાં સુધી તો ખુબ મોડું થઈ ગયું હતું. ઈ-એફઆઇઆરના આધારે ગોડાદરા પોલીસે ગતરોજ અજાણ્યા બાઈક સવાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે નેટીજન્સમાં જાતજાતની કોમેન્ટ્સ આ ધટના અંગે જોવા મળીી રહી છે. લોકો શહેરની સ્થિતિ અંગે બળાપો પણ કાઢી રહ્યા છે તો ક્યાંક આ ઘટના અંગે રમૂજી કોમેન્ટ્સનો પણ મારો જોવા મળી રહ્યો છે.