ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મજૂરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નં.29ના નવનિર્મિત ” સુમન અમૃત અને સુમન આશિષ” ફ્લેટની મુલાકાત લીધી હતી. તેમણે અહીં લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. સંવાદ એક પ્રજા અને મંત્રી તરીકે નહીં પણ બે પરિચિતો વચ્ચે થતો હોય એટલો સહજ થતાં લાભાર્થીઓને આનંદ થયો હતો. લાભાર્થી મહિલાઓએ આવાસમાં પાનમસાલા ખાઈને ગંદકી કરતાં લોકો વિશે ગૃહમંત્રીને ફરિયાદ પણ કરી તો હળવા મૂડમાં હર્ષ સંઘવીએ મહિલાઓને કહ્યું કે લાકડી લઈને બેસો કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના સુમન આવાસમાં મુલાકાત માટે ગયા હતા. હજી થોડો જ સમય માંડ થયો છે ત્યાં આવાસમાં પારાવાર ગંદકી જોઈ તેઓ નારાજ થઈ ગયા હતા. તેમણે આ ગંદકીની લોકો સમક્ષ નોંધ લીધી તો સુમન આવાસમાં રહેતી મહિલાઓએ ગૃહમંત્રીને ફરિયાદ કરી કે અહીં પુરુષો પાન મસાલા ખાઈને ગંદકી કરે છે. નારાજગી સાથે હળવા મૂડમાં જવાબ આપતાં હર્ષ સંઘવીએ મહિલાઓને કહ્યું કે હાથમાં લાકડી લઈને બેસો કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. આ ટકોરની અહીંના લોકો પર કેટલી અસર પડશે એ તો આવતો સમય જ કહી બતાવશે પરંતુ મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરી ત્યારે હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે ગંભીરતાપૂર્વક અશ્વાસન આપતા કહ્યું કે કોઈ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો. ત્યારબાદ આવાસમાં ગાર્ડનની જગ્યાએ લોકો વાહનો પાર્ક કરાતા જોઈને પણ હર્ષ સંઘવી વિફર્યા હતા.જોકે, ગાર્ડનને વ્યવસ્થિત બનાવવા 5 લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ડ પણ આપી છે. હવે સ્વચ્છતાનું ધ્યાન તો લોકોએ જ રાખવાનું રહ્યું.