પ્રખર વિદ્વાન સમધિગત રાષ્ટ્રપતિ સન્માન, લબ્ધ ગુજરાત રાજ્ય પંડિત સન્માન પ્રાપ્ત શાસ્ત્રી નિલકંઠભાઈ મહાશંકર શુક્લનું આજે તા. 19મી મે 2022ના રોજ સવારે દુખદ નિધન થયું છે. આંતરારાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ નિલકંઠાદાદાની મોક્ષગતિથી સમાજને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ સર્જાઈ છેે. વિશ્વભરમાં તેમના અનુયાયીઓમાં આ સમાચારથી શોક ફેલાયો છે.
શાસ્ત્રી નિલકંઠ દાદા પ્રખર વિદ્વાન તરીકે પુજનીય હતા અને હંમેશા જ રહેશે. ચારેય વેદોના જાણકાર, 18 પુરાણો જેમને કંઠસ્થ હતા એવા શાસ્ત્રી નિલકંઠભાઈ શુક્લના શુભ હસ્તે સુરત જ નહીં સુરતની બહાર પણ અનેક મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. તેમના મુક્ત કંઠના શ્લોકથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવી એ તેમાં પ્રાણ પુરાયા હોવાનો એક નિઃશંક અલૌકિક અહેસાસ હતો. તેઓ અસંખ્ય યજ્ઞોના આચાર્ય રહી ચૂક્યા છે. સુક્ષ્મથી સુક્ષ્મ ઉચ્ચારણની ભૂલ તેમના ધ્યાનમાં રહેતી. સાથે 21 હોય કે 101 બ્રાહ્મણ કયા શિષ્ય ક્યાં ચૂક કરી એ તેમના નજરથી બાકાત રહે એ અસંભવ કહેવાતું.
દેશના ગૌરવ સમા આ પ્રખર ભૂદેવની સૌના લોકલાડીલા અને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ સંત રંગ અવધુત મહારાજ સાથે મૈત્રી હતી. નારેશ્વરની ઘણી પૂજાઓ તેમના હાથે જ સંપન્ન થઈ હતી. દત્તાત્રેય ભગવાનના અનન્ય ભક્ત આજના દિવસે સવારે મોક્ષગતિ પામ્યા છે. શ્રી નિલકંઠભાઈ શુક્લની અંતિમયાત્રા સાંજે 4 કલાકે 128, દિપાંજલી સોસાયટી, પાલનપુર પાટીયાથી નીકળશે.