સુરતની હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ અને તેમના પત્ની કવિતા શાહ ઉપરાંત સતીષ અગ્રવાલે બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા હોવાનો ધડાકો થતાં જાણકાર વર્તુળોમાં સોંપો પડી ગયો છે. હકીકતમાં આ દંપતીએ અન્ય બિઝનેસમેન પાસેથી પણ કેટલાક રૂપિયા પચાવી પાડ્યા હોવા સાથે મોટું ફૂલેકું ફેરવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે ગંભીર આક્ષેપ લગાવવા સાથે આ મુદ્દે વડાપ્રધાન કાર્યાલય સુધી પત્ર લખ્યો છે. હાલ સમગ્ર પ્રકરણમાં ગાંધીનગર CBIએ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારના જણાવ્યા મુજબ, સુરત હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી અને આ લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા છે. વિજય શાહ સામે એક કરતા વધુ એફઆઈઆર નોંધાયેલી છે. કૌભાંડમાં વધુ એક વ્યક્તિ જેમના પર આરોપ છે એ સતીષ અગ્રવાલ કહેવાય છે કે હાલ સુરતમાં જ છે. સતીષ અગ્રવાલ સામે મલ્ટીપલ એએફઆઈઆર નોંધાયેલી છે. આ ઉપરાંત રાજસ્થાનમાં જમીન છેતરપિંડી અને સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચાણ કરવા બાબતે ગુનો દાખલ થયેલાની માહિતી મળી છે.
સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારનું કહેવું છે કે, 2018માં હાઇ- ટેક સ્વીટ વોટરને 2 કરોડથી વધુનો સામાન આપ્યો હતો. વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતિષ અગ્રવાલ એ સમયે કંપનીના ડિરેકટર હતા. અનેક વખત માંગણી કરવા છતાંય કંપનીએ આજદીન સુધી આ રકમ ચૂકવી નથી. 2023 માં હિરેન ભાવસારે ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદને એ સમયે વધુ તપાસ માટે સુરતની આર્થિક ગુના નિવારણ શાખામાં મોકલવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં હવે ભેદ ઉજાગર થવાની ઘડીઓ ગણાઈ રહી હોવાનો દાવો થઈ રહ્યો છે.
વિજય શાહ સામે આ પ્રથમ વખત આક્ષેપ થયો નથી તેમની ઠગાઈના અનેક પુરાવા સામે આવ્યા છે. સુત્રોનું માનીએ તો, રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુદ્ધ FIR દાખલ થઈ છે. આ સિવાય એક અન્ય કેસમાં 2017માં સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચી મારવાના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે. આ કેસમાં તો વિજય શાહની ધરપકડ પણ થઈ હતી. આ વ્યક્તિ જો વિદેશ ભાગી શકે તો તેની પાછળ કોઈ મોટું માથું કામ કરી રહ્યું હોવાનો પણ જાણકારોએ શક વ્યક્ત કર્યો છે. હિરેન ભાવસારનું કહેવું હતું કે, અમે ન્યાય માટે લડત લડતાં રહીશું.