ભારત વિકાસ પરિષદ, સુરત મેઈન અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આશ્રમ પરંપરા વિષય પર એક વેબિનાર યોજાયો હતો. આ વેબિનારમાં દિલ્હીથી વિદ્વાન તજજ્ઞ ડો. પુષ્કર મિશ્રની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આશ્રમ એ કંઈ ચાર દિવાલથી બનેલો ઓરડો નથી. તમામ માનવીનું શરીર જ આશ્રમ છે. જે વ્યક્તિ સત્ય, નિષ્ઠા, નીતિથી જીવનમાં આચરણ કરે છે. એ વ્યક્તિને જાતે જ જીવન જીવવાનો માર્ગ મળતો જાય છે. એમણે કહ્યું કે રાજધર્મ માત્ર નેતાઓને જ લાગુ પડે છે એવું નથી. જે દેશની પ્રજા રાજધર્મનો અમલ કરે છે તે દેશ પ્રગતિના પંથે આગળ વધે છે. ધર્મ આશ્રમ પરંપરાનું મુખ્ય કેન્દ્ર છે પરંતુ જે બીજાના હિત માટે કામ કરે છે તે જ ધર્મ છે. ધર્મનું અધિસ્થાન એ આશ્રમ પરંપરાનું સૌથી પહેલું અધિસ્થાન છે.
આ પૂર્વે પરિષદના પ્રમુખ રુપીન પચ્ચીગરે આવકાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતમાતા હરહંમેશ ઋષિ પરંપરા અને આશ્રમ પરંપરાથી જ્ઞાનની ગંગોત્રી વહેવડાવતી રહી છે. તક્ષશિલા વિદ્યાપીઠ એ તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. વિશ્વભરમાં વિદ્યાર્થીઓ અહીં જ્ઞાન મેળવીને તેના દેશમાં એનો લાભ આપતા રહ્યા. ભારત એવી ભૂમિ છે કે જ્યાં કુરુક્ષેત્રના રણ મેદાનમાં પણ શ્રીકૃષ્ણએ ગીતાજ્ઞાન આપ્યું હતું. જ્ઞાન માત્ર પાઠશાળામાં જ નહીં, એ રણ મેદાનમાં કે કોઈ વડની નીચે પણ મળી શકે છે. આશ્રમ પરંપરા જાણવા માટે આજે આશ્રમ પરંપરાના વિષય પર વેબિનારનું આોજન થયું હતું.
વેબિનારમાં કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રજિસ્ટ્રાર જયદીપ ચૌધરી, ડે, રજિસ્ટ્રાર દિપેશ પટેલ, ડો. શિવચરણ કાલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. અપૂર્વ દેસાઈએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. ભરત ઠાકોરે કર્યું હતું.