રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઘણા ખરા વિસ્તાારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નદીઓ ગાંડીતૂર બની છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રવિવારે સાંજે 6.30 કલાક સુધીની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં 17 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્કાયમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ
ઉલ્લેખનીય છે કે કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણાના ભાગો, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ આવી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે, ત્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ સાથે આગાહી જાહેર કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેને કારણે ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આવતીકાલે જન્માષ્ટમીના તહેવાર પર સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.