કાળા કૂતરા જેવા રોબોટ્સના વાયરલ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર લોકોનું સારું એવું મનોરંજન કરી રહ્યા છે. આ રોબો ડોગ એ આરોગ્યની મહત્વપૂર્ણ જાહેરાતો કરે છે અને સ્થાનિકોને કોવિડ નિયમો વિશે યાદ પણ અપાવે છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો તેમના પૂર્વ રોગચાળાના જીવનમાં પરત ફરી રહ્યા છે, પરંતુ ચીનમાં, કોવિડ -19 કેસોમાં ઉછાળાને કારણે દેશમાં ફરીથી લોકડાઉનના દિવસો આવ્યા છે. આ સંજોગોમાં ખાલી શેરીઓમાં પેટ્રોલિંગ કરતા રોબોટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો જોયા બાદ લોકોમાં ભયાનક વિચારો પણ આવી રહ્યા છે.
દેશની નીતિના પરિણામે, ચીનના સૌથી મોટા શહેર અને નાણાકીય મહાસત્તા શાંઘાઈમાં કટોકટીની સ્થિતિ જાહેર થઈ છે. લોકોને આગામી દસ દિવસ સુધી તેમના ઘરોમાં બંધ રહેવું પડશે. એક વિડિયોમાં, બોસ્ટન ડાયનેમિક્સ સ્પોટ જેવો જ માથા પાસે મેગાફોન સ્પીકર ધરાવતો ચાર પગવાળો રોબોટ ખાલી શેરીઓમાં પેટ્રોલિંગ કરતો જોવા મળ્યો હતો. ફેસ માસ્ક પહેરો, વારંવાર હાથ ધોવા, તમારું ટેમ્પરેચર માપતા રહો અને તમારા રહેણાંકને જંતુમુક્ત કરો, ઝુઆનચેંગ ડેઇલી અનુસાર આવી જાહેરાત રોબોટ દ્વારા થઈ રહી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, રોબોટ્સ લોકોને સમજાવે છે કે, લોકોએ ઓછા ભેગા થવું જોઈએ અને ઘરનું વેન્ટિલેશન વધારવું જોઈએ. તે જ સમયે, ઘોષણાઓ કરવામાં આવી રહી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે રોગચાળા સામે વૈજ્ઞાનિક ઢબે લડો અને બહાર નીકળો ત્યારે સારા નાગરિક બનો.
શેરીઓમાં ફરતા આ કાળા કૂતરા જેવા રોબોટનો વીડિયો પણ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જે વાયરલ થયો હતો. લોકોએ આ વીડિયોને ઓનલાઈન ડરામણો ગણાવ્યો હતો. તેને એક સાય-ફાઇ થ્રિલર જેવું કહેવામાં આવી રહ્યું છે. લોકોને આ મૂવીઝ જેવી લાગણી થઈ રહી છે જે બતાવે છે કે કોઈ કારણસર આખી દુનિયામાં રસ્તાઓ ખાલી છે અને મશીનો દુનિયા પર કબજો કરી રહ્યાં છે.