ગુજરાતના મજબૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ તેમના પૂત્રના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તા. 17 એપ્રિલે ઋષભ રૂપાણીના લગ્ન પ્રસંગે આશિર્વાદ આપવા કયા કયા વીઆઈપીની હાજરી રહેશે અને એ માટે કેવી ગોઠવણો રહેશે તેની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. આ લગ્ન સમારોહ એક ભવ્ય રહેશે એ ચોક્કસપણે સ્વભાવિક છે.
રૂપાણી પરિવારમાં આ પ્રસંગની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઋષભ રૂપાણી સૌમ્ય સ્વભાવનો મિકેનિકલ એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત યુવક છે. થોડા સમય પૂર્વે કેટલાક રાજકીયશત્રુઓએ લોકડાઉન ન લાગે એ માટે સોશિયલ મીડિયા પર અત્યંત હીન પ્રયાસ કરતાં ઋષભના લગ્નનો ગપગોળો ચલાવ્યો હતો. રૂપાણીએ જાતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ વાત સાવ ખોટી છે. હવે 17 એપ્રિલે ઋષભના લગ્ન યોજાઈ રહ્યા છે.
રૂપાણી પરિવારના અંતરંગ સુત્રોના જણાવ્યા મુજબ લગ્નોત્સવ ત્રણ દિવસનો રહેશે. માંડવીયા પરિવારની દિકરી અદિતિ પણ આ પરિવારની જેમ જ લાગણીશીલ અને સૌમ્ય પ્રકૃતિની છે અને શરૂઆતથી જ પરિવારના મનમેળ મુજબ આ સંબંધને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તા. 15મી એપ્રિલ શુક્રવારની સંધ્યાએ કાલાવાડ રોડ પર પામસ્પ્રિંગ પાર્ટી પ્લોટ પર ડાયરા અને ગરબાની રમઝટ બોલશે. જેમાં રાજ્યના અનેક મોટાગજાના કલાકારો પરફોર્મ કરશે. તો બીજા દિવસે એટલે કે તા.16મીની સાંજે સુરમયી સાંજનો જલસો ગોઠવાયો છે.
મુખ્યમંત્રી તરીકે રાજીનામા બાદ એક પિતા માટે અત્યંત ભાવુક પત્ર દ્વારા દેશભરમાં એક અલગ જ ચર્ચામાં આવેલી વિજયભાઈની પૂત્રી રાધિકા અને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિ નીમિત હવે ઋષભની ખરીદી તેમજ તેની વીઆઈપી જરૂરતો ઉપરાંત તેના પ્રસંગને કેવી રીતે યાદગાર સંભારણામાં ફેરવી શકાય તેની ધમાલમાં વ્યસ્ત છે. રૂપાણી પરિવારના આંગણે તોરણ બંધાવાનો માતા અંજલીબેનનો ઉત્સાહ પણ અદભૂત છે. કેન્દ્રના રાજકીય આગેવાનો ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ અને બોલિવુડમાંથી પણ કેટલીક હસ્તીઓ આ ફંક્શનનો હિસ્સો બની શકે તેવી શક્યતા જાણકારો તરફથી વ્યક્ત થઈ રહી છે. સિઝન્સ હોટલ અને પાર્ટીપ્લોટ પર તેની ભવ્યતા અત્યારથી લોકોમાં આકર્ષણનો વિષય છે.