રાજ્યમાં રિક્ષાભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રીક્ષા એસોસિએશનની મંગણીઓ મુજબ સરકારે મિનિમમ અને પ્રતિ કી. મી માં 2 રૂપિયા નો વધારો કરતાં રીક્ષા ચાલકોને દૈનિક આર્થિક નુક્શાનમાં રાહત મળશે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ગેસના ભાવ વધારાને કારણે રીક્ષા ચાલકોને રોજ 50 થી 60 રૂપિયાનું આર્થિક નુકશાન વેઠવું પડતું હતું. ભાવવધારા માટે માંગ કરતાં રીક્ષા એસોસિએશન લડતના માર્ગ સુધી જવા તૈયાર થયું હતું જોકે, એસોસિએશન સાથે થયેલી વાટાઘાટો બાદ લાખો રીક્ષા ચાલકો માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 10 જૂન 2022 થી રીક્ષા ભાડામાં મિનિમમ 1 કી. મી ના 20 રૂપિયા અને ત્યારબાદ પ્રત્યેક કી.મી. દીઠ 15 નું ભાડું વસુલવામાં આવશે.
આ ભાવ વધારો આગામી 31 મેં 2023 સુધી અમલમાં રહેશે તેમ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીએ સ્પષ્ટતા કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1 કી. મી ના 18 રૂપિયા ભાડુ વસુલ કરવામાં આવતું હતું જેની સામે રીક્ષા એસોસિએશન દ્વારા 30 રૂપિયા કરવાની માંગણી સરકાર સમક્ષ હતી.
જ્યારે રનિંગ કી. મી ના 13 ની જગ્યાએ 15 રૂપિયા કરવાની માંગણી રીક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે રીક્ષા એસોસિએશન માગણીના સમર્થનમાં વચ્ચેનો માર્ગ કાઢી અગાઉના 18 રૂપિયા ની જગ્યાએ 20 અને પ્રત્યેક કી મી ના 13 રૂપિયા ની જગ્યાએ 15 રૂપિયા નું ભાડું નક્કી કર્યું છે.સરકારના આ નિર્ણયને રીક્ષા એસોસિએશને પણ માન્ય રાખ્યો છે.