રાજકોટ શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જ્યાં એક નેપાળી પરિવારની 3 વર્ષની બે દીકરીઓનું ડૂબી જવાનું મોત થયું છે.જો એક સ્થાનિકોએ 108 બોલાવી બન્ને બાળકીને બચાવવા કોશિશ કરી હતી. પરંતુ બન્ને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
2 બાળકીઓના સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી મોત
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સ્વિમિંગ પૂલમાં બે બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકઠા થઈ બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ બંને બાળકીનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
108ને પણ જાણ કરવામાં આવી
નેપાળી પરિવારની ત્રણ વર્ષની બે દીકરીઓ રવિવારે બપોરે જમ્યા બાદ સાયકલ ચલાવવાનું કહીને ઘરેથી નીકળી હતી. આ બંને દીકરીઓ એક કલાક પછી પણ ઘરે પરત ન ફરતા પરિવારે બંનેની શોધખોળ હાથ ધરી હતી..આ પછી એકાદ કલાક બાદ સોસાયટીના અન્ય કોઈ સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થતા એક બાળકીને પાણીમાં જોઈ હતી અને થોડીવારમાં અન્ય એક બાળકી પણ જોવા મળી હતી. તુરંત 108ને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ બન્ને બાળકી મૃત હાલતમાં જ હોવાનું જાણવા મળ્યું હતું. સ્વિમિંગ પૂલ કવર્ડ કરેલ છે, આમ છતાં બન્ને બાળકી અંદર પહોંચી ગઈ હતી અને બન્નેના પગ લપસી જતા અંદર પડી જવાથી ડૂબી જતા મોત નીપજ્યાનું લાગી રહ્યું છે.
માતા-પિતાએ પણ શીખ લેવા જેવું
આ એક ઘટના નથી પરંતુ ગત માર્ચ મહિનામાં પણ આ જ પ્રકારે દુર્ઘટના રાજકોટમાં થઈ હતી. આજે ફરી રાજકોટમાં બનેલી આ દુર્ઘટનામાં બે બાળકીનાં મોત નીપજ્યા છે ત્યારે માતા-પિતાએ પણ શીખ લેવા જેવી છે અને જે સોસાયટીમાં સ્વિમિંગ પૂલ હોય ત્યાં બાળકો એકલાં અંદર ન જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવી જરૂરી છે.