ગુજરાત સહિતની ચૂંટણીઓ સંપન્ન થતા જ હવે ફરી એક વખત આર્થિક મોરચાઓ ચર્ચા પર ચડશે. મંગળવારે ખાસ કરીને શેરબજારના વર્તુળોની રિઝર્વ બેન્કની મોનીટરીંગ પોલીસીની કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર દાસ શું નવું લાવશે તેના પર મોટો મદાર હોવાની ચર્ચા રહી હતી. વ્યાજદરમાં વધારો કરશે કે કેમ એ સવાલ છે જેના સેન્ટિમેન્ટ કાલના બજાર પર અસરકર્તા રહેશે.
ચાલુ નાણાકીય વર્ષ સહિત આરબીઆઈ ચાલુ વર્ષમાં 190 બેઝીક પોઇન્ટ જેટલો વ્યાજ દર વધારો કર્યો છે અને તેને કારણે બેન્કોના ધીરાણ દર ઉંચા ગયા છે તથા ઓટો-હોમ સહિતની લોનમાં માસિક હપ્તા ભરનાર સહિતના તમામને વધુ બોજો ઉઠાવવો પડે છે પરંતુ હવે ફુગાવો તબક્કાવાર નીચો આવી રહ્યો છે તેવું આર્થિક ક્ષેત્રમાં માનવામા આવી રહ્યું છે અને તેને કારણે આરબીઆઈ ગવર્નર આવતીકાલે વ્યાજ દર વધારામાં બ્રેક મુકી દે તેવા સંકેત છે અથવા તો 10 કે 15 બેઝીક પોઇન્ટ વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.
બીજીતરફ જોઈએ તો, ખરીફ પાક સિઝન છતા પણ ખાદ્ય ચીજ સહિતના ભાવમાં કોઇ મોટો ઘટાડો થયો નથી અને વિકાસ દર અંગે પણ હજી સવાલો ઊભા છે. હાલમાં જ આર્થિક મોરચે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં 6.9 ટકાનો જીડીપી હાંસલ કરી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. વિશ્વ બેંકે આ આશાવાદ આપ્યો છે તો સામે સરકારનું પણ આરબીઆઈ પર દબાણ છે કે કમસેકસ ડીસેમ્બરનો માસ વ્યાજ દર નહીં વધારી એક સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે જેનાથી અર્થતંત્રમાં એક નવું ચિત્ર બની શકે. બીજી તરફ વૈશ્વિક સ્તરે છટણી અને મંદીની અસર છે અને તેથી જ માનવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ફરી એક વખત વ્યાજ દર વધારવાની શક્યતા હાલ પૂરતી ટાળી શકે છે.