દારૂબંધી બાબતે ગુજરાતમાં પોલીસ હોય કે પછી સત્તા-વિપક્ષના રાજકારણીઓ કેટલા ગંભીર હોય છે તેની પ્રતિતિ કરાવતી એક ઘટના બનાસકાંઠામાંથી બહાર આવી છે. હકીકતમાં દારુ એ ફક્ત દબાણ અને નાક દબાવવા સિવાય ગંભીર મુદ્દો રહ્યો નથી એવું કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી રહી.
બનાસકાંઠા જિલ્લાનાં વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોર અવારનવાર દારૂબંધી મામલે પોલીસની કાર્યવાહી પર સવાલ ઊઠાવતા હોય છે, તેઓએ દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ પણ કરી છે. દારૂ વેચનારા લોકો સામે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરતા હોવાનાં આક્ષેપ લગાવતા આવ્યા છે. હવે ઘટનાક્રમ એવો બદલાયો છે કે, ધારાસભ્ય ગનીબેન ઠાકોરનો ભાઈ જ દારૂ સાથે પોલીસનાં હાથે ઝડપાયો છે. થોડા દિવસો આ મામલો ચર્ચાસ્પદ બની રહે તેવા એંધાણ છે જોકે દારૂબંધીના અમલીકરણમાં ચાલતી લાલિયાવાડીને કોઈ આંચ આવી શકે તેમ નથી એ નક્કી.
પોલીસના જણાવ્યા અનુસાર, ભાભરના અબાસણા ગામે ક્રાઈમ બ્રાંચની ટીમે ચૌકકસ બાતમી આધારે રેડ પાડી રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોરને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ બંને પૈકી રમેશ ઠાકોર વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગોભાઈ હોવાનું તપાસમાં ખુલ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા જ દારૂબંધીનો કડક અમલ કરાવવા ધારાસભ્ય ગનીબેન ઠાકોરે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.