હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાત મિની જાપાન બની રહ્યું છે, ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે તમે તે શબ્દોને સાચા સાબિત કરી દીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રને જ નહીં સમગ્ર રાજ્યને બહુમુલ્ય ભેંટ અર્પણ કરતા રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને લોકાર્પિત કર્યું છે. તેમના મહત્વકાંક્ષી આ પ્રોજેક્ટ એવા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની વડાપ્રધાન મોદીએ મુલાકાત લઇ વિવિધ સુવિધાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરી રસપૂર્વક વિગતો મેળવી હતી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમાર વડાપ્રધાન મોદી સાથે રહ્યા હતા અને તેમને એરપોર્ટની વિવિધ સુવિધા અંગે વિગતવાર જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ સમગ્ર એરપોર્ટના વિકાસ અને વિશેષતાઓની અંગત રસ દાખવીને જાણકારી મેળવી હતી.
તમને આ પ્રસંગે ફરી યાદ અપાવી દઈએ કે, ખુબ ટુંકા ગાળામાં પરંતુ યોજનાબદ્ધ રીતે 2534 એકર વિસ્તારમાં આકારિત અને 3 કિલોમીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે ધરાવતા આ એરપોર્ટ પર કોઇપણ સમયે 14 વિમાનોને સમાવી શકવાની ક્ષમતા વિક્સીત કરવામાં આવી છે. રૂ. 1405 કરોડના ખર્ચે તૈયાર આ એરપોર્ટ પીક અવર્સ દરમિયાન હાલના તબક્કે પ્રતિ કલાક 500 અને ઝડપભેર તેની ક્ષમતાના પૂર્ણ વિસ્તરણ બાદ 2800 પ્રવાસીઓનું સંચાલન કરી શકશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા, રાજ્યના ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ, રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગના સેક્રેટરી રાજીવ બંસલ, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતી હતી.
ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદીએ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. PM એ સૌરાષ્ટ્ર નર્મદા અવતાર સિંચાઈ (SAUNI) યોજનાના આઠ અને નવ પેકેજ રાજ્યને સમર્પિત કર્યા. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટો દિવસ છે.
પીએમ મોદીના સંબોધનની ખાસ વાતોઃ-
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું એવા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું જેમને કુદરતી આફતોને કારણે ઘણું નુકસાન થયું છે. ભૂપેન્દ્ર સરકાર શક્ય તેટલી વહેલી તકે તમામ પરિવારોનું જીવન સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે, આમાં કેન્દ્ર સરકાર પણ શક્ય તમામ મદદ કરી રહી છે.
જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાત મિની જાપાન બની રહ્યું છે, ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે તમે તે શબ્દોને સાચા સાબિત કરી દીધા છે. હવે અહીંના ખેડૂતો માટે ફળો અને શાકભાજી વિદેશમાં મોકલવામાં સરળતા રહેશે. રાજકોટને માત્ર એરપોર્ટ નહીં પરંતુ નવી ઉર્જા-નવી ઉડાન આપતું પાવરહાઉસ મળ્યું છે.
આજે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે… આજકાલ આ ભ્રષ્ટ અને પરિવારવાદીઓએ તેમની જમાતનું નામ બદલી નાખ્યું છે. ચહેરાઓ એ જ જૂના છે, પાપ પણ જૂના છે, માર્ગો, ઇરાદાઓ એ જ છે, બસ નામ બદલાયું છે.
અમારી સરકાર છે જેણે કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ છતાં મોંઘવારી કાબૂમાં રાખી છે. આજે, આપણા પાડોશી દેશોમાં મોંઘવારી 25-30 ટકાના દરે વધી રહી છે, પરંતુ ભારતમાં એવું નથી… અમારી સરકાર મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુને વધુ બચત કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે.