તા.૧૭મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે નવનિર્મિત ટર્મિનલ બિલ્ડીંગ અને ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવા સુરત આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની આ સુરત મુલાકાતને અનુલક્ષી સુરત ડાયમંડ બુર્સ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. તેમણે કાર્યક્રમના આયોજન સંબંધિત જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. મંત્રીશ્રીને ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુરભાઈ સવાણીએ જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓથી વાકેફ કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે મંત્રીશ્રી સાથે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, ડિરેક્ટર લાલજીભાઈ પટેલ સહિત આયોજકો, અગ્રણીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંખ્યાબંધ કેન્દ્રિય તેમજ રાજ્યકક્ષાના મંત્રી અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ સવિશેષ ઉપસ્થિતિ રહેશે.