રાજકોટમાં ફરી એકવાર એક સાધુની લીલા સામે આવી છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી.જે બાદ તેને ગર્ભપાત કરાવ્યો હતો ત્યારે હરીભક્તોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. જેને લઈ ભક્તો હવે ધર્મને બચાવવા મેદાને આવ્યા છે. ત્યારે ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તોએ છાજિંયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજકોટ શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા એક ભાઈ અસ્થિર મગજના છે. ગત તા.25.12.2020ના રોજ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે, ત્યાં રહેતા ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મેં તેમનું પ્રોફાઇલ જોઇને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ આ ધર્મસ્વરૂપદાસ સ્વામી મારી સાથે ફેસબુકમાં અને વ્હોટ્સએપમાં વાતચીતો કરતા અમારી વચ્ચે મિત્રતા થઈ હતી.
આથી હું ત્રીજા માળે આવેલા ગેસ્ટરૂમમાં ગઈ ત્યારે આ ધર્મસ્વરૂપદાસ સ્વામી ત્યાં હાજર જ હતા. તે દરમિયાન તે મારી સાથે વાતો કરવા લાગ્યા અને મને આશ્વાસન આપી અને મને ખોટી હમદર્દી બતાવીને ભેટી પડ્યા હતા અને બીભત્સ હરકતો કરવાની કોશિશ કરતા મેં તેનો પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે મારી સાથે લગ્નની વાત કરી હતી અને મને વાતમાં ફસાવી છેતરીને ખોટી રીતે મારી સાથે ત્યાં ગેસ્ટરૂમમાં જ લગ્ન કર્યા હતા. પછી મને કહ્યું કે, હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાવ, જેથી હવે તારા ઉપર મારો હક્ક છે. તે રાતે આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો અને કહ્યું હતું કે, આપણાં લગ્ન થઇ ગયાં છે તે વાત તું કોઇને કહેતી નહિ. આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ, આપણે સાધુ-સાધ્વી થઈને સાથે રહેવાનું છે.
આ બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.જેના પગલે તે યુવતીને ગર્ભ રહી ગયો હતો.જે બાદ આ સ્વામીએ તેને ગર્ભપાત કરાવી નાખવાનું કહ્યું હતું. જેની વાત માનીને યુવતીએ ગર્ભપાત કરાવી નાખ્યું હતું.જેને લઈને તેને પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.
તો બીજી તરફ વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે. ત્યારે આજે સ્વામીઓની લંપટલીલા અને વાઈરલ વીડિયોને લઈ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા. જ્યાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી હતી. બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માગ કરાઈ રહી છે.
હરીભક્તો સ્વામિનારાયાણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ થકી હવે વડતાલ તાબા હેઠળ આવતા મંદિરો પર વિરોધ કરી રહ્યા છે. આ લંપટ ધર્મના ભક્ષક સંતોને દૂર કરવાની માગણી કરી રહ્યા છે. જેમાં આજે મોટી સંખ્યામાં હરીભક્તો બેનરો પોસ્ટરો સાથે ગઢડા સ્વામીનારાયણ મંદિર ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. તો બીજી તરફ ગઢડા બોર્ડના ચેરમેન હરીજીવન સ્વામી હાય હાયના નારા લગાવી તેમના પોસ્ટર અને ફોટા પર ચપ્પલનો વરસાદ કરીને ભક્તોએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. તો બીજી તરફ હરીજીવન સ્વામીએ આવેદન પત્ર સ્વીકારવાની ના પાડતા ટ્રસ્ટીઓ થકી આવેદન પત્ર સ્વીકારવામાં આવ્યું છે.