દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી કપરાડા પારડી વિસ્તારમાં વરસાદ સાથે પવન ફૂંકાયો હતો. હળવાથી મધ્યમ પવનો ફૂંકાતા જોકે, વાતાવરણમાં ચોક્કસ જ ઠંડક પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે એવી હવામાન વિભાગે આગાહી કરી છે
વાપીમાં પણ વરસાદે દસ્તક દેતાં ગરમીથી લોકોને થોડો છૂટકારો મળ્યો છે. બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. તો પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી સંભાવના છે. ભીલાડ, ઉમરગામમાં પણ વરસાદ નોંધાયો છે.
વલસાડના તીથલના દરિયા કિનારે હવામાનના પલટાની વ્યાપક અસર વર્તાઈ છે. અહીં પવન ફૂંકાતા સહેલાણીઓ માટે સોને પે સુહાગા જેવો અનુભવ મળતો હતો. એવી જ રીતે સાપુતારામાં પહોંચેલા સહેલાણીઓનો આનંદ પણ ડબલ થઈ ગયો હતો.
અચાનક પલ્ટાયેલા વાતાવરણને પગલે નુકશાનની વાત કરવામાં આવે તો. આંબા વાડી ધરાવતા સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. મોડી શરૂ થયેલી કેરીની સિઝન હજી થોડીઘણી જામે એ પૂર્વે તો, વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. બીજીતરફ સુરતની વાત કરીએ તો, વાદળછાયા વાતાવરણ અને પવનને કારણે અહીંની 2 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.