ગુજરાતનું ગૃહ મંત્રાલય સંભાળતાની સાથે જ એક મુદ્દે યુવા રાજકારણી એવા ગૃહમંત્રી હર્ષ સંઘવી અત્યંત સંવેદનશીલ છે અને એ મુદ્દો છે યુવાધનને બરબાદીના રસ્તે ધકેલતો ડ્રગ્સનો કારોબાર. આ મુદ્દે તેઓ વારંવાર કહી ચૂક્યા છે કે ગુજરાતમાં ડ્રગ્સ કોઈપણ રીતે નહીં ચલાવી લેવામાં આવશે. તેમનું આ આકરાપણું પોલીસ તંત્ર પણ સારી રીતે સમજી ચૂક્યું છે કે એ મુદ્દે કોઈપણ બહાનાબાજી કે કારણો ચાલી શકે તેમ નથી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલની સફળતા અંગે ગુજરાત એટીએસ અને સંબંધિત એજન્સીઓને અભિનંદન પાઠવવા સાથે ટ્વિટ કર્યું છે કે, આ પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત પોલીસ અને કોસ્ટ ગાર્ડની દરિયાઈ સ્ટ્રાઈક છે. જેટલું મોકલશો એટલું પકડીશું. વેલકમ ટુ ગુજરાત જેલ.આ ટ્વિટથી પોલીસ તંત્રમાં આનંદ ભયો છે. તેમનો ઉત્સાહ સ્વાભાવિક સાતમા આસમાને છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. અગાઉ એમડી ડ્રગ્સના નેટવર્ક પણ પોલીસ તંત્રએ જોરદાર પ્રહારો કર્યા તો હવે દરિયાઈ માર્ગેથી આવતા હેરોઈન પર એજન્સીઓ સફળતાપૂર્વક ત્રાટકી રહી છે. પંજાબ અને કાશ્મીરમાં સરહદો ટાઈટ થયા પછી સ્થિતિ બદલાઈ છે. ગુજરાતની સરહદો પરના પડકાર અલગ છે. એવામાં ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસની સફળતા નોંધનીય છે.
આ અગાઉ થોડા સમય પૂર્વે પણ હર્ષ સંઘવીએ વિધાનસભામાં હૂંકાર કર્યો હતો કે, ડ્રગ્સ વેચાય તે પહેલા પોલીસ પકડી લે છે તો તે પોલીસની સફળતા છે. જેનાથી હજારો લોકોના જીવ જોખમમાં જતા બચે છે. આ સિસ્ટમને પર્દાફાશ કરવી જરૂરી છે. એ સમયે એમડી ડ્રગ્સના નેટવર્કની કમર તોડવા પોલીસ જંગે ચડી હતી ત્યારે પણ ગૃહમંત્રી સંઘવી સ્પષ્ટ હતા કે, યુવા ધનને ડ્રગ્સમાં ધકેલવા માટે માફિયાઓ અનેક ટ્રીક વાપરે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે સારી કામગીરી કરી રહી છે. પોલીસ પણ તેમના આ વલણથી ડ્રગ્સ મુદ્દે વધુ સારી કામગીરી માટે ઉત્સાહી છે.
30 એપ્રિલે સુરતમાં આયોજીત મેરેથોન દોડ માટે પણ ડ્રગ્સથી મુક્તિનો સંદેશ મોખરે આપતાં ગૃહમંત્રીએ ચેતવણી આપી છે કે, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવાશે. નહીં.