PM નરેન્દ્ર મોદી આજે 73 વર્ષના થયા છે. મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે, જેમનો જન્મ આઝાદી પછી થયો હતો. આજે સમગ્ર ભારત જ નહીં દુનિયાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. પીએમ મોદી છેલ્લા નવ વર્ષથી દેશના વડાપ્રધાન છે.
આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર દેશભરમાં અનેક લોકપયોગી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. લોકોમાં ભારે ઉત્સાહ છે અને આ દિવસને વધુમાં વધુ યાદગાર બનાવવાની હોડ જામી છે એનાથી વિશેષ બીજું લોકપ્રિયતાનું પરિમાણ કયું હોઈ શકે. સ્વાસ્થ્ય મંત્રાલય દેશના અંતિમમાં અંતિમ વ્યક્તિને સ્વાસ્થ્ય સુવિધાઓ મળે એ માટે આયુષ્માન ભવઃ નામનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે. પોતાના જન્મદિવસ પર પીએમ મોદી પોતે પણ દિલ્હીમાં યશોભૂમિ નામના ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. અગાઉ મોદી દરેક જન્મદિવસે માતા હીરાબેનના આશીર્વાદ લેવા ગુજરાત આવતા હતા. હવે જ્યારે હીરાબેન નથી રહ્યા, તો વડાપ્રધાન મોદીને તેમની કમી ખલતી હશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે જાણીએ કે, આ બંધારણીય પદ પર રહીને તેમણે મોદીએ કયા મોટા નિર્ણયો લીધા જે વર્ષો સૈકાઓ સુધી સૌના જીવનધોરણ પર અસર કરશે અને એ સૌના સ્મૃતિપટ પર છવાયેલા રહેશે.
નોટબંધી
વડાપ્રધાન પદના દાવેદાર તરીકે, નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીના પ્રચારકાળમાં કાળા નાણાંનો મુદ્દો આક્રમક રીતે ઉઠાવ્યો હતો. સરકાર બન્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016 ના રોજ રાત્રે 8 વાગ્યે પ્રજા સમક્ષ ઉપસ્થિત થઈ અચાનક 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ પગલાંથી કાળા નાણાની સમસ્યા ઘણી હદ સુધી ખતમ થઈ જશે. પીએમ મોદીના આ નિર્ણયનો એક પક્ષે વિરોધ કર્યો તો બીજી પાર્ટીએ પણ ખુલ્લેઆમ સમર્થન કર્યું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, નોટબંધી બાદ 16 હજાર કરોડ રૂપિયા પાછા નથી આવ્યા. આ 500 અને 1000 રૂપિયાની નોટો હતી.
સર્જિકલ સ્ટ્રાઈક
18મી સપ્ટેમ્બર 2016ની આ વાત છે. જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના હેડક્વાર્ટર પર સવારે 5.30 વાગ્યે આતંકીઓ ત્રાટક્યા હતા. આ હુમલામાં ભારતના 19 જવાનો શહીદ થયા હતા, 30થી વધુ જવાનો ઘાયલ થયા હતા. ત્વરિત જવાબી કાર્યવાહીમાં ચાર આતંકીઓ પણ માર્યા ગયા હતા. દેશ આ હુમલાથી સમસમી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાબડતોબ ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક કરી અને જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય કર્યો અને હુંકાર ભર્યો કે, આ હુમલા પાછળના લોકોને ચોક્કસ સજા મળશે. આ પછી, 28 સપ્ટેમ્બર 2016 ના રોજ, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. મધ્યરાત્રે 150 ચૂનંદા કમાન્ડો MI 17 હેલિકોપ્ટર દ્વારા LOC નજીક ઉતર્યા. અહીંથી, પેરા 25 કમાન્ડોએ એલઓસી પાર કરી અને ત્રણ કિલોમીટર સુધી ચાલીને આતંકવાદીઓના સ્થાનો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. આતંકવાદી હુમલા પર પીએમ મોદીની આ રીતે પ્રતિક્રિયાની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી.
હવાઈ હુમલો
14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. એક આતંકવાદી પણ માર્યો ગયો. હુમલા બાદ દેશભરમાં શોક અને આક્રોશ જોવા હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી નક્કી કરવામાં આવ્યું હતું કે અહીં મુંહતોડ જવાબ આપવાનું કામ હવાઈ હુમલાથી થશે. વડાપ્રધાન મોદીએ તરત જ આદેશ જારી કર્યો. આ પછી, 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો. દેશના બહાદુર જવાનોએ આ હવાઈ હુમલામાં 300-400 આતંકીઓની લાશો ઢાળી દીધી. સમગ્ર વિશ્વના આ કાર્યવાહીમાં ભારતના પડખે ઊભું રહ્યું હતું.
કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ
જ્યાં વિચારીને પણ લોકોને હાથ દાઝવાનો ભય સતાવતો હતો એવા એક ચોંકાવનારા નિર્ણયમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. આ સમગ્ર પ્રક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરાઈ. હિંસાના ભયને જોતા જમ્મુ-કાશ્મીરના ઘણા નેતાઓ અને અલગતાવાદીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સરકારે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં કર્ફ્યુ લાદી દીધો હતો. લોકોને જે હદે લાગતું હતું એવું ક્શું જ ખાનાખરાબી વગર એકંદરે શાંતિથી પાર પડ્યું અને પગલાંની ચોતરફ સરાહના થઈ. આજે એ નિર્ણયના સારા પરિણામો દુનિયાની સમક્ષ છે.
ટ્રિપલ તલાકથી છૂટકારો
22 ઓગસ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી. આ પછી, મોદી સરકારે 28 ડિસેમ્બર 2017 ના રોજ લોકસભામાં મુસ્લિમ મહિલાઓ માટે લગ્ન પરના અધિકારોનું રક્ષણ બિલ- 2017 રજૂ કર્યું. પાસ થયા બાદ તેને રાજ્યસભામાં મોકલી શકાયું નથી. 2018માં સરકારે તેને એક વટહુકમ દ્વારા લાગુ કર્યો હતો. 2019માં બીજી વખત વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં બિલ રજૂ કર્યું. બંને જગ્યાએથી મંજૂરી મળતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા કાયદાને લાગુ કરવા જાહેરનામું બહાર પાડ્યું હતું. મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્ત કરવાના આ નિર્ણયને કલ્પના બહાર મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું અને કહેવાતા વિરોધી તત્વોની એક ના ચાલી.
CAA લાગુ કરવાનો નિર્ણય
2019 માં ફરીથી સરકાર બનાવ્યા પછી જ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA રજૂ કર્યો. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને ભારતમાં નાગરિકત્વનો અધિકાર મળ્યો છે. એટલે કે આ દેશોના હિન્દુઓ, શીખો, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ઈસાઈઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયા સરળ બની ગઈ જેઓ વર્ષોથી શરણાર્થીઓનું જીવન જીવવા મજબૂર હતા. આ નિર્ણયના વિરોધમાં દિલ્હીમાં હિંસા થઈ હતી, જેમાં 50થી વધુ લોકો માર્યા ગયા. લાંબુ આંદોલન થયું, પરંતુ સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો નહીં.લાગૂ કરવા મક્કમ રહી. વિદેશી તાકાતનો હાથો બની સીએએ માટે લડતાં તત્વો એ દરમિયાન ઊઘાડા પડી ગયા એ અલગ.
સ્વચ્છ ભારત અભિયાન
2014માં પ્રથમ વખત સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી તો લોકોએ આ અભિયાનની મજાક ઊડાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું પરંતુ ઝડપભેર આ અભિયાન એક ચળવળ બની અને દેશના ખુણેખુણે લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતતા આવી. હતી. સરકારે સ્વચ્છતા કર એટલે કે સેસ પણ લાગુ કર્યો. પીએમ મોદીના આ અભિયાનની વ્યાપક અસર પણ જોવા મળી હતી. સરકારે સ્વચ્છતા માટે જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓ પણ શરૂ થઈ. કોરોનાકાળ બાદ વડાપ્રધાન મોદીના આ અભિયાનની કિંમત લોકોને સારી રીતે સમજાઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
27 સપ્ટેમ્બર 2014 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું. વૈશ્વિક મંચ પરથી, તેમણે વિશ્વભરના લોકોના સારા સ્વાસ્થ્ય માટે યોગને આવશ્યક ગણાવ્યું. તેમણે વિશ્વ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માંગણી કરી. વિશ્વ માટે આ માંગ જાણે એવી હતી કે, ભાવતું હતું અને વૈદે કહ્યું… ત્યારથી દર વર્ષે 21 જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આયુષ્માન ભારત
દેશના ગરીબ નાગરિકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2018ના રોજ આયુષ્માન ભારત યોજના જાહેર કરી. યોજના અંતર્ગત સરકાર ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપે છે. યોજનાના લાભાર્થીઓ માટે એક કાર્ડ બનાવવામાં આવે છે, સરકારે આ યોજના હેઠળ ઘણી સરકારી અને ખાનગી હોસ્પિટલનો સમાવેશ કર્યો છે. જ્યાં લાભાર્થીઓ વિનામૂલ્યે સારવાર મેળવી રહ્યા છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
આ વડાપ્રધાન મોદીની સૌથી મહત્વાકાંક્ષી યોજના પૈકીની એક છે. વડાપ્રધાને 1 મે, 2016ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી. આ યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને વિનામૂલ્યે ઘરેલું ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ માર્ચ 2020 સુધીમાં વંચિત પરિવારોને આઠ કરોડ એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ 7 સપ્ટેમ્બર 2019ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આઠ કરોડમું એલપીજી કનેક્શન અર્પણ કર્યું હતું.