મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ, WHOના મહાનિદેશક ડો. ટ્રેડોસ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉદઘાટન કરતાં વિશ્વને આગામી દાયકા માટે હીલ ઈન ઈન્ડિયા મંત્ર આપ્યો છે.વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે વિદેશીઓ ભારતમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ (આયુષ)નો લાભ લેવા આવી શકે તે માટે ખાસ વિઝા શ્રેણી શરૂ કરવાની તેમજ આયુષ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જે વિદેશી નાગરિકો ભારત આવીને આયુષ ઉપચારનો લાભ લેવા માંગે છે. તેમના માટે સરકાર એક પહેલ કરી રહી છે. ટુંક સમયમાં ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઇ રહ્યું છે. આનાથી લોકોને આયુષ દવા માટે ભારતમાં પ્રવાસ કરવાની સુવિધા મળશે. પરંપરાગત દવાએ કેરળ પ્રવાસનને વધારવામાં મદદ કરી છે. વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે રોકાણ સમિટ યોજાતી હોય છે. પરંતુ આયુષ ક્ષેત્ર માટે આ પ્રકારની સમિટ પ્રથમ વખત યોજાઈ રહી છે. આવા રોકાણ સમિટનો વિચાર એ સમયે આવ્યો જયારે સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે હલચલ મચી ગઈ હતી. આપણે બધા જોયુ કે, કેવી રીતે આયુર્વેદિક દવાઓ, આયુષ ઉકાળો અને આવા ઘણા ઉત્પાદનો લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી રહ્યા હતા.
વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યુ કે, આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. અમે આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિના અગાઉથી જ સાક્ષી છીએ. આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણા મોટા પગલા લીધા છે.
થોડા દિવસો પહેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ શરૂ થયો છે. એક રીતે જોઈએ તો ભારતમાં આજે યુનિકોર્નનો યુગ છે. 2022માં જ અત્યાર સુધીમાં ભારતના 14 સ્ટાર્ટઅપ્ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. મને ખાત્રી છે કે, ખૂબ જ ટૂંક સમયમાં આયુષ સ્ટાર્ટઅપ્સ પણ યુનિકોર્ન તરીકે ઉભરી આવશે. આ શક્તિ સમગ્ર ભારતમાં છે, ભારતના ખૂણે ખૂણે છે. ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે.
આર્યુવેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત વેલનેસ સેન્ટર ખૂબ જ લોકપ્રિય બની શકે છે.પીએમ મોદીએ આગળ જણાવ્યુ કે, FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં ‘આયુષ આહર’ નામની નવી શ્રેણીની પણ જાહેરાત કરી છે. આ હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે.