ટીનેજર્સ નશાના ઉપયોગ માટે કે ગર્ભપાત માટે વપરાતી દવાઓનો દુરપયોગ ન કરે તે માટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત સીસીટીવી લગાવવાનો આદેશ કરાયો છે પરંતુ દવાની દુકાનોમાં તેનો અમલ થઈ રહ્યો નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ તેના અમલ માટે સહેજે સક્રિય નથી ત્યારે કલેક્ટર સમક્ષ તેના કડક અમલીકરણ માટે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને રજૂઆત કરી છે.
દવાની દુકાનોમાં બેફામ ભાવથી લઈને અનેક ગેરરિતીઓ દર્દીઓની તકલીફો વધારી રહી છે, તંત્રની નિષ્ક્રીયતાના પ્રતાપે ફાર્માસિસ્ટની હાટડીઓ ભાડાના લાઈસન્સ ઉપર ચાલી રહી છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી જ રહ્યા છે તો હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા થોડા સમય પૂર્વે દરેક મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવાનો આદેશ કરાયો છે તેનો પણ અમલ નથી થઈ રહ્યો.
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને તમામ કલેક્ટરને અંગે લેખીત રજૂઆત કરી છે. રજૂઆતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી તમામ દવાની દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવાની ડેડ લાઈન જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. દવાની દુકાન માટે જે નવા લાયસન્સ અપાય તેમાં પણ સીસીટીવી લગાવાયા હોય તો જ આપવા જોઈએ તેવું પ્રાવધાન કરવાનો પણ માંગણી રજૂઆતમાં ઉલ્લેખ છે. ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર દવાની દુકાન ચાલતી હોય તો તેના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા અને ફોજદારી ગુના દાખલ કરવા પણ એસોસિએશને તેમની રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે.