કામરેજના પાસોદરામાં શનિવારે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું ગળું કાપીને હત્યા કરવાના બનાવે ફક્ત સુરત જ ગુજરાતને હચમચાવી દીધું છે. મૃતકના પિતા નંદલાલ વેકિરીયા આફ્રિકા હતા અને ઘટના બાદ આઘાતમાં સરી પડ્યા હતા. હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા બાદ આજે દિકરી ગ્રીષ્માની અંતિમક્રિયા હતી. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. આજે અંતિમ યાત્રા પૂર્વે સોસાયટીને કોર્ડન કરી દેવાઈ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળતો હતો. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપતા ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને મુખાગ્નિ આપી હતી.
સ્મશાનમાં આવેલા લોકોએ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય તેવી માગણી કરી હતી. ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ જ જાહેરમાં ફાંસી આપી કડક દાખલો બેસાડવો જોઈએ તેવી પણ લોકલાગણી અહીં વ્યક્ત થતી જોવા મળી હતી, જેથી બીજીવખત લોકો આવુ કૃત્ય કરતાં ડરે.
બીજીતરફ ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં લોકો રોષે ભરાયા છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ પોસ્ટર લાગી ગયા છે. ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે, ગૃહમંત્રી હોમટાઉન નથી સંભાળી શક્તા તો રાજ્યની કાયદો વ્યવસ્થા ક્યાં જઈને અટકશે જેવા સૂત્રો ઠેકઠેકાણે જોવા મળી રહ્યા છે. કામરેજ, પુણા, યોગીચોક, સરથાણા, મિની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારોમાં પોસ્ટરો લાગ્યા છે.
ગત 12 ફેબ્રુઆરીએ કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયાની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં હત્યા થઈ હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે અનેક વખત અને વારંવાર સમજાવવા શનિવારે એ ઘરે પહોચી ગયો હતો અને ગ્રીષ્માના કાકા અને ભાઈને ચપ્પુના ઘા માર્યા હતા અને ગ્રીષ્માનું ગળું રહેસી નાખ્યું હતું.
બનાવ બાદ ઘેરા પ્રત્યાઘાત બહાર આવ્યા હતા અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર અજય તોમરને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રીષ્માની હત્યાનો ઉલ્લેખ કરીને પરિવારે ઝડપી ન્યાયની માંગ કરી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવારને મળી ઝડપી અને સજ્જડ ન્યાની ખાત્રી આપી છે પરંતુ સમાજમાં એક પછી એક ઘટનાઓથી રોષ વ્યાપી રહ્યો છે.