પંજાબના અમૃતસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક છોકરો તેની વૃદ્ધ માતાને બેરહેમીથી માર મારી રહ્યો છે. જ્યારે આ મામલો અમૃતસર કમિશનરેટ પોલીસના ધ્યાન પર આવ્યો, ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવા પોલીસ હરકતમાં આવી. પોલીસે બંને પક્ષોની વાત સાંભળી અને મા દેવીને છોકરા સામે ફરિયાદ કરવા કહ્યું. પરંતુ માતાએ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે. તે કાનૂની કાર્યવાહી કરવા માંગતી નથી. નિર્દયતાથી માર માર્યા પછી પણ, માતા તેના પુત્રને કાયદાકીય જાળમાં ફસાવા માંગતી નથી. આજની દુનિયામાં માત્ર માતાનું જ આ કલેજું હોઈ શકે છે જે સંબંધોમાં હસતા મોંએ ઝખમ સહન કરીને નિભાવી જાણે છે.
વૃદ્ધ મહિલા દેવીએ જણાવ્યું કે પુત્રનું ઉપરાણું ખેંચતા પોલીસને કહ્યું કે, અમિત માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગ્યો છે. તેની તબિયત ક્યારેક બગડે છે. તેથી જ તેને ખબર પણ નથી પડતી કે તે શું કરી રહ્યો છે. નોકરી ગુમાવવાથી પરેશાન થઈને પુત્ર દારૂ પીવે છે. તેણે જણાવ્યું કે આ વીડિયો 20 જૂન 2023નો છે. તે દિવસે તે નશામાં આવ્યો હતો અને તેના હોશમાં નહોતો. જ્યારે માતાએ તેને માર માર્યો અને અપશબ્દો બોલ્યા ત્યારે અમિતે પીધેલી હાલતમાં તેની માતાને પણ ધક્કો માર્યો અને મુક્કા પણ માર્યા.
આ વીડિયો અમિતની 10 વર્ષની દીકરીએ બનાવ્યો હતો અને એ વાયરલ થઈ ગયો હતો. એક વૃદ્ધ મહિલા દેવી તેમના પુત્ર અમિત સાથે રહે છે અને અમિત તેમનો ખર્ચ પણ સંભાળે છે. અમિતે તેની માતાની માફી પણ માંગી છે અને ખાતરી આપી છે કે તે ભવિષ્યમાં આવું કૃત્ય ક્યારેય નહીં કરે અને તેની માતાની સેવા કરશે.