રવિવારે સાંજે હજારો પરિવારો તેમના બાળકો અમે મહિલા સાથે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવા ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક ખૂબ જ શરમજનક ઘટના બની. આ વાત છે પટનાની, જ્યા રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલી તમામ ટીવી સ્ક્રીન પર જાહેરાતોને બદલે અશ્લીલ વીડિયો પ્રસારિત થઈ રહ્યો હતો. લગભગ ત્રણ મિનિટ સુધી ચાલેલા આ વીડિયોને જોઈને ત્યાં હાજર મુસાફરો પણ અચાનક જ ક્ષોભમાં મુકાઈ ગયા હતા અને આ બાબતની જાણ થતાં જ રેલવે પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.
જીઆરપી અને આરપીએફના અધિકારીઓએ તરત જ એજન્સીનો સંપર્ક કર્યો અને ટીવી સ્ક્રીન પર ચાલતા અશ્લીલ વીડિયોને અટકાવ્યો. આ અંગે રેલવેના ડિવિઝનલ મેનેજરે જણાવ્યા અનુસાર આ ખૂબ જ ગંભીર ઘટના છે. તેણે કંપની સામે દંડ સહિતની કાર્યવાહી કરીને જાહેરાત એજન્સીના સંચાલકનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે ખતમ કરી દીધો છે. આ સાથે તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યો છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, એડવર્ટાઈઝિંગ એજન્સીના કંટ્રોલ રૂમમાં દરોડા દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓ અશ્લીલ વીડિયો જોતા જોવા મળ્યા હતા. આરપીએફ અને જીઆરપીએ તરત જ એજન્સીના કેટલાક કર્મચારીઓને કસ્ટડીમાં લીધા હતા. એજન્સીના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પટના જંકશન પર કુલ 10 પ્લેટફોર્મ અને 3 ફૂટઓવર બ્રિજ છે. દરેક પાસે ટીવી સ્ક્રીન લાગ્યાં હોય છે.