ભગવાન કૃષ્ણની જળમગ્ન દ્વારકા નગરીને ધર્મસ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર મોટા આયોજનમાં છે. રાજ્યનો પ્રવાસન વિભાગ સબમરીન મારફતે દ્વારકા શહેરની ટુર કરાવશે. સબમરીન લોકોને 300 ફૂટ નીચે અરબી સમુદ્રમાં લઈ જશે. લોકો દ્વારકા શહેરના અવશેષોના દર્શન કરી શકશે. બે કલાકની આ દર્શન યાત્રા માટે ગુજરાત સરકારે એક કંપની સાથે કરાર કર્યા છે. આ સાથે દ્વારકાની સાથે ગુજરાતનું પ્રવાસન પણ નવી ઉંચાઈએ પહોંચવાની આશા છે. હાલમાં દ્વારકા જતા પ્રવાસીઓ દ્વારકાધીશના જગત મંદિરની મુલાકાત લે છે અને આ મંદિર પર ધ્વજા ફરકાવે છે.
પ્રવાસન વિભાગે ગુજરાત બ્રેકિંગ સાથે વાતચીતમાં જણાવ્યા અનુસાર ભગવાન કૃષ્ણની જળમગ્ન દ્વારકા નગરીના હવે દર્શન કરી શકાશે. આ વિશેષ લ્હાવા માટે સબમરીન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. લોકો સબમરીન દ્વારા બે કલાકમાં હાલના દ્વારકાથી જૂના દ્વારકા જશે. સબમરીનમાં 6 ક્રૂ મેમ્બર સાથે 24 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. જેમાં બે પાઈલોટ અને એક ગાઈડ ઉપરાંત એક ટેકનિશિયન રહેશે. સબમરીન 300 ફૂટની ઉંડાઈએ પહોંચશે ત્યારે લોકો દ્વારકાને પોતાની આંખે જોઈ શકશે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર સબમરીનના સંચાલન માટે ભારત સરકારની મઝાગોન ડોક શિપયાર્ડ કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ સમિટમાં આની જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકા દર્શન આવતા વર્ષે ઓગસ્ટમાં કૃષ્ણ જન્માષ્ટમીથી શરૂ થવાની ધારણા છે. જો ટેકનિકલ કારણોસર કોઈ સમસ્યા સર્જાય તો ભગવાન શ્રી કૃષ્ણના જૂના દ્વારકાના દર્શન દિવાળી સુધીમાં શરૂ થઈ જશે. સબમરીન માટે બેટ દ્વારકા પાસે એક ખાસ જેટી પણ બનાવવામાં આવશે. પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દ્વારકામાં દેશનો પ્રથમ પ્રયોગ હશે. સબમરીન મહત્તમ 300 ફૂટની ઊંડાઈ સુધી જશે. એટલું જ નહીં તેનું કુલ વજન 35 ટન હશે.
દ્વારકાને પ્રવાસન નકશા પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ગુજરાત સરકાર કામ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રની મુલાકાત પછી, દ્વારકાને લગતા તમામ પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે એટલું જ નહીં, દેવભૂમિ દ્વારકાને દ્વારકા ટાપુને જોડતો પુલ પણ લગભગ તૈયાર છે. 900 કરોડના ખર્ચે બનેલ આ 2320 મીટર લાંબો પુલ પ્રવાસીઓને અરબી સમુદ્ર જોવાની તક આપશે. આ સાથે સબમરીન મારફત જૂની દ્વારકાના દર્શન શરૂ થતાં દેવભૂમિ દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેવી ધારણા છે.