ગુજરાતના રાજકરણમાં લોકસભા ચૂંટણી પહેલાં જ પહેલીવાર કોઈ બેઠક પર બિનહરીફ તરીકે જીત નક્કી થઈ હતી. આ બેઠક એટલે સુરત અને ત્યાં ભજવાયેલા રાજકીય ડ્રામા સમગ્ર ગુજરાતની જનતા જ નહીં દેશે જોયો હતો.સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનુ ઉમેદવારી ફોર્મ રદ થયું હતું, ટેકેદારોની સહી મુદ્દે નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થતા તેમના પર અનેક આક્ષેપો પણ થયા હતા. ત્યારે તેઓ 22 દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે
2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી
નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. વધુમાં કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી ચુકી છે. 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી.
અત્યાર સુધી હું સૌરાષ્ટ્રમાં મારી વાડી અને ઘરે હતો
કુંભાણીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસે ટીકિટ આપી ત્યારથી મારી સાથે કોંગ્રેસના કાર્યકર્તા, નેતાઓ સાથ આપતા નહોતો. ડોર ટૂ ડોર પ્રચારમાં કોઇ સાથે આવતા નહોતા. કોંગ્રેસના નેતાઓ પણ સાથ આપતા નહોતા. અત્યાર સુધી હું સૌરાષ્ટ્રમાં મારી વાડી અને ઘરે હતા. તેમણે કહ્યું, હું અમદાવાદ જતો હતો ત્યાં કરજણ પહોંચ્યો ત્યાં મારા ઘરે કોંગ્રેસના નેતા આવી વિરોધ કરવા લાગ્યા હતા. મારા ભાજપ સાથે કોઇ સબંધ નથી.
મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું
નિલેશ કુંભાણીએ કહ્યું કે, હું ભાજપ નહીં મારી ગાડીમાં ગયો હતો. ધક્કા-મુક્કી ના થાય તે માટે પાછલા દરવાજેથી ગયો હતો. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર હતા. મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું. મારે આરોપ લગાવીને કોઈને મોટા નથી કરવા.
ધાનાણી અને શક્તિસિંહ ગોહીલનું માન રાખીને ચૂપ છું
આ ઉપરાંત પોતાના નિવેદનમાં નિલેશ કુંભાણીએ એમ પણ કહ્યું કે હું ધાનાણી અને શક્તિસિંહ ગોહીલનું માન રાખીને ચૂપ છું નહીંતર કોંગ્રેસ દ્વારા મારી સાથે જે કરવામાં આવ્યું છે તે વિશે બધું જાહેર કરી શકું છું. આ તરફ કોંગ્રેસે નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા બાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના લીગલ સેલ દ્વારા તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ શરુ કરવામાં આવી હતી. જોકે હવે અચાનક નિલેશ કુંભાણી આ રીતે બહાર આવ્યા અને તેમણે જે દાવા કર્યા છે તે બાદ એ જોવું રહ્યું કે ગુજરાતના રાજકરણમાં શું નવા વમળો ઉત્પન્ન થાય છે.