કોરોના સંદર્ભે હાઇકોર્ટે નીચલી અદાલતો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન અનુસાર 100થી ઓછા કોવિડ કેસ હોય તેવા જિલ્લા – તાલુકાની કોર્ટમાં નિયંત્રણો સાથે 24 જાન્યુઆરીથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે. નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ કાર્યવાહીને મંજૂરી આપવા સાથે હાઇકોર્ટે અનેક શરતો પણ રાખી છે. કોર્ટ ચાલુ કરતા પહેલાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સંબંધિત ઓથોરિટી સાથે બેઠક કરવી પડશે.
હાઇકોર્ટની SOPમાં જણાવાયું છે કે, તમામ જિલ્લાઓમાં રોજેરોજ મોટી સંખ્યામાં કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, આ બાબત ધ્યાનમાં રાખી, 07.01.2022 ના પરિપત્ર દ્વારા, જિલ્લા અને ટ્રાયલ કોર્ટની કામગીરીને પ્રતિબંધિત કરી આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ જિલ્લા અને તાલુકા અદાલતો વીડિયો કોન્ફરન્સિંગથી જ કાર્યરત રહેશે.
ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલ અને વિવિધ તાલુકા બાર એસોસિએશનો તરફથી ત્યારબાદ રજૂઆતો થતાં આ સંદર્ભે જિલ્લા અને તાલુકા કોર્ટના કામકાજ પર દેખરેખ રાખવા રચાયેલી SOP કમિટીની બેઠક મળી હતી. મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોલાવાયેલી આ બેઠકમાં રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્યો ઉપરાંત અધિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ ડો. મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગના સચિવ અને કમિશનર ડો. જયપ્રકાશ શિવહરે, કુટુંબ કલ્યાણ અને રાજ્ય રસીકરણ અધિકારી અધિક નિયામક ડૉ. નયન પી. જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ટાસ્ક ફોર્સના સભ્યોએ વ્યક્ત કરેલા અભિપ્રાયને ધ્યાનમાં રાખી SOP સમિતિએ અમુક જિલ્લાઓ જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ 100 કરતા ઓછા છે ત્યાં પ્રતિબંધો અને શરતોને આધીન ટ્રાયલ કોર્ટની મર્યાદિત ફિઝિકલ કામગીરી શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો.
આ ઠરાવ સાથે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રાજ્યના જે જિલ્લા અને તાલુકામાં ૧૦૦ થી ઓછા કેસ છે, ત્યાંની કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા ગુજરાત હાઈકોર્ટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, આ માર્ગદર્શિકા અનુસાર કડક પ્રતિબંધો સાથે નીચલી અદાલતોમાં 24 જાન્યુઆરી સોમવારથી ફિઝિકલ સુનાવણી શરૂ થશે.
● નીચલી અદાલતો માટેની ગાઈડલાઈન
વકીલના સ્ટાફને કોર્ટ કેમ્પસમાં પ્રવેશ પરંતુ બારની ઓફિસ અને કેન્ટિન બંધ રહેશે.
રોજ સવારે અને બપોરના સત્રમાં 20-20 એમ કુલ 40 કેસની સુનાવણી થશે. વકીલ અને સાક્ષીઓ સિવાય અન્યને કોર્ટ રૂમમાં પ્રવેશ અપાશે નહીં. ૧૬૪ મુજબના નિવેદન વિડીયો કોન્ફરન્સથી લેવાના રહેશે.
24 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીનુ કોર્ટનુ કોઝ લિસ્ટ તૈયાર રાખવું.
40 કેસનુ કોઝલિસ્ટ આગલા દિવસે તૈયાર કરી, સીઆઈએસ અને કોર્ટની સાઈટ પર મૂકવું
કોર્ટ સ્ટાફ, વકીલ સહિત 20 થી વધુ વ્યક્તિઓને કોર્ટ રૂમમાં પ્રવેશ નહીં મળે.
ક્રોસ તપાસ માટે બંને પક્ષના વકીલો હાજર રહેશે વકીલોને કેસની માહિતી SMS થી અપાશે.
વકીલ સાથે ચર્ચા કરીને જજ કેસના પુરાવા રેકર્ડ કરી શકે, ઓફિશિયલ સાક્ષી સિવાયના પુરાવાના રેકર્ડ વિડીયો કોન્ફરન્સથી કરવા.
પીજેડી ફાઈલિંગ પ્રક્રિયા પર ધ્યાન રાખે, ક્રિમિનલ, સિવિલ કેસ, કોર્ટ ફી ચુકવણી, સર્ટી ફાઈડ નકલ આપવા અલગ કાઉન્ટર રાખવું. માસ્ક વગરના અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખનારનુ ફાઇલિંગ ન કરવા સૂચના, ફાઈલિંગ સ્ટાફને એન – 95 માસ્ક, મોજા અને સેનિટાઈઝ આપવા.
કોર્ટમાં પ્રવેશનારે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ગયા નથી તેની લેખિતમાં ખાતરી રજૂ કરવી પડશે.
કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટમાં સુનાવણી ઓનલાઇન જ રહેશે.
એક મીટર સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, હાઈકોર્ટ, રાજ્ય અને કેન્દ્રની માર્ગદર્શિકાનુ પાલન કરવુ.
કોર્ટમાં પ્રવેશ માટે ઓછા દરવાજા રાખો, દરેકનુ થર્મલ ગનથી ચેકિંગ કરવું. પ્રવેશદ્વાર પર આરોગ્ય- પોલીસની ટીમ તૈનાત રાખવી. કોવિડ – 19 ના લક્ષણવાળાને પ્રવેશ નહીં અપાય તેની પૂર્ણ તકેદારી રાખવી.
દર સપ્તાહે કોર્ટ પ્રાંગણને સેનિટાઈઝ કરવા આ માર્ગદર્શિકામાં જણાવાયું છે.