ગુજરાતમાં ભરૂચ ખાતે આજે ઉત્કર્ષ સમારોહમાં વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પોતાના વર્ચ્યુઅલ વક્તવ્યમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હું રાજનીતિ કરવા નહીં, દેશવાસીઓની સેવા કરવા આવ્યો છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઉત્કર્ષ સમારોહ એ વાતનું પ્રમાણ છે કે જયારે સરકાર ઈમાનદારીથી અને એક સંકલ્પ લઈને લાભાર્થી સુધી પહોંચે છે તો કેટલા સાર્થક પરિણામ મળે છે.
આ દરમિયાન અયૂબ પટેલ નામના લાભાર્થી સાથે વડાપ્રધાન મોદીએ વાત કરી હતી. અયૂબ પટેલે કહ્યું કે, તે પોતાની બંને દિકરીઓને ડોક્ટર બનાવવા માંગે છે. દિકરીઓને ડોક્ટર બનાવવી એ તેનું સપનું છે. અયૂબ પટેલની દીકરીએ જ્યારે કહ્યું કે તે પોતાના પિતાની આંખની બીમારી જોઈને ડોકટર બનવા માગે છે અને જરૂરીયાતમંદ લોકોની સેવા કરવા માગે છે. તો આ વાત સાંભળીને વડાપ્રધાન મોદી ઉપરાંત બાપ-દીકરી અને ઘટના સ્થળે ઉપસ્થિત લોકો ભાવુક બની ગયા હતા.
વડાપ્રધાન મોદીએ અયૂબ પટેલને કહ્યું કે, પોતાની દિકરીઓના સપનાને પુરું કરવા જો તમને કોઈ મદદની જરુર પડે તો મને કહેજો. એ પૂર્વે આ ચક્ષુહિન પિતાની દીકરીના આંસુ જોઈને ભાવુક થઈ ગયા હતા. તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. થોડો સમય સ્તબ્ધ મૌન છવાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, અયૂબ ઈબ્રાહિમભાઈ પટેલ વૃદ્ધ સહાય યોજનાથી લાભાન્વિત છે અને તેમની સાથે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સીધો સંવાદ ર્ક્યો હતો. મોદીએ અયૂબની દીકરીને કહયું, દીકરી તારી સંવેદના જ તારી તાકાત છે.