મુકેશ અંબાણીએ શુક્રવારે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી ભગવાન વેંકટેશ્વર માટે ખૂબ જ આદર ધરાવે છે. તિરુમાલા નજીક એક ટેકરી પર સ્થિત ભગવાન વેંકટેશ્વરના આ પ્રાચીન મંદિરમાં મુકેશ અંબાણી અન્ય ઘણા લોકો સાથે હતા. તેમાં એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ અને અન્ય RIL અધિકારીઓ હતા. મંદિરના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
મંદિરના અધિકારીના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણી શુક્રવારે વહેલી સવારે મંદિર પહોંચ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે પ્રાર્થના કર્યા બાદ અંબાણી દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના એડિશનલ એક્ઝિક્યુટિવ ઓફિસર એ.કે. વેંકટ ધર્મા રેડ્ડીને રૂ. 1.5 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પછી આ લોકોએ થોડો સમય તિરુમાલા પર્વત પર સ્થિત એક ગેસ્ટહાઉસમાં પણ વિતાવ્યો.
ગેસ્ટ હાઉસમાં થોડો સમય વિતાવ્યા બાદ આ મહેમાનોએ પૂજામાં પણ ભાગ લીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અન્ય લોકોએ ગર્ભગૃહમાં પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૂર્યોદય સમયે કરવામાં આવેલા અભિષેકમાં ભાગ લીધો હતો, જે લગભગ એક કલાક ચાલ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે અંબાણીએ મંદિરમાં હાથીઓને ભોજન પણ ખવડાવ્યું હતું.