લોકો જેમ જેમ સોશિયલ મીડિયા પર વધુને વધુ સમય વિતાવતા થયા છે તેમ તેમ તેનાથી કંટાળી પણ એટલું જ રહ્યા. જાણીને નવાઈ લાગશે પરંતુ હકીકત એ છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ વર્ષ 2023ની સૌથી વધુ ડિલીટ કરવામાં આવેલી એપ બની છે. સૌથી વધુ ડિલીટ થયેલી એપ્સની યાદીમાં ઇન્સ્ટાગ્રામ ટોચ પર છે. ત્યારબાદ સ્નેપચેટ અને ટેલિગ્રામનો નંબર આવી રહ્યો છે. 2023નો આ ટ્રેન્ડ આ રીતે જ આગળ વધી રહ્યો છે અને તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે એપ જેટલી પોપ્યુલર છે, તેને ડિલીટ કરવાની સંખ્યા સૌથી વધુ છે. એવું નથી કે લોકો સોશિયલ મીડ્યા વગર જીવવા તરફ આગળ વધી રહ્યા છે પરંતુ એક સાઈટ અને તેના ફિચર્સથી યુઝર્સ જલ્દી ત્રાસ અનુભવવા લાગે છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં રેકોર્ડ બ્રેકિંગ સોશિયલ મીડિયા યુઝર્સ રહ્યા છે. આ સંખ્યા 4.8 અબજના આંકડાને પાર કરી ગઈ છે. ઉપરાંત, સોશિયલ મીડિયા યુઝર્સ દરરોજ બે કલાક અને 24 મિનિટ સોશિયલ મીડિયા પર વિતાવે છે.
અમેરિકન ટેક ફર્મ TRG ડેટાસેન્ટરના એક રિપોર્ટને ટાંકીને ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા ફર્મ થ્રેડ એવી એપ બની ગઈ છે જેણે એક અઠવાડિયામાં સૌથી વધુ યુઝર્સ ગુમાવ્યા છે. થ્રેડ એપ લોન્ચ થયાના 24 કલાકમાં 100 મિલિયન યુઝર્સ જોડાયા હતા, પરંતુ આગામી 5 દિવસમાં 80 ટકા યુઝર્સે થ્રેડ છોડી દીધી હતી. જેના કારણે થ્રેડ એપ એટલે કે મેટા કંપનીને ઘણું નુકસાન થયું હતું. જો આપણે આખા વર્ષ વિશે વાત કરીએ, તો થ્રેડ સૌથી વધુ ડિલીટ થયેલી એપ રહી છે. વર્ષ 2023માં 10 લાખ લોકોએ ઈન્ટરનેટ પર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાની ટ્રીક સર્ચ કરી છે. તેમજ 10,20,000 થી વધુ યુઝર્સે Instagram એપને ડીલીટ કરી છે.
ઇન્સ્ટાગ્રામ એપ પછી સ્નેપચેટ બીજા સ્થાને છે. સ્નેપચેટને 1,28,500 લોકો દ્વારા ડિલીટ કરવામાં આવી છે. આ પછી X એટલે કે ટ્વિટર અને ટેલિગ્રામ આવે છે. સાથે જ Facebook, TikTok, YouTube, WhatsApp અને WeChat ના નામ પણ સામે આવી રહ્યા છે. આ સાથે 49,000 લોકોએ ફેસબુક એપ ડિલીટ કરી છે, જ્યારે 4,950 યુઝર્સે તો જીવનનો અભિન્ન અંગ ગણાતા વોટ્સએપને પણ ડિલીટ કર્યું છે.