પાંચેક વર્ષ પૂર્વે ગુજરાત પોલીસે ઈ-ચલણ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ટ્રાફિક પોલીસ પર નિયમનનું ભારણ હળવું થાય એ હેતુથી સીસીટીવી કેમેરાની મદદથી અને ઈ-ચલણથી દંડ ફટકારાય તો ઘર્ષણના બનાવો પણ અટકે પરંતુ હાલત એ છે કે, રાજયના મોટાભાગના શહેરોમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ રૂપે અપાયેલા ઈ-ચલણના નાણા ભાગ્યે જ કોઈ ભરે છે. ઈ-ચલણની નહીં ભરાયેલી રકમનો આંકડો રૂપિયા 500 કરોડ કરતા પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.
જો સુરત શહેરમાં અત્યાર સુધીમાં રૂપિયા 139 કરોડના ઈ-ચલણ ટ્રાફિક મેમો ઈશ્યુ કરાયા છે જે પૈકી માત્ર રૂપિયા 20 કરોડનો દંડ વસૂલ કરી શકાયો છે. સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક)એ જણાવ્યું કે, સ્પીડ પોસ્ટથી ઈ-ચલણ મોકલવામાં આવે છે. ઘણાં કેસોમાં એવું જાણવા મળ્યું છે કે એક વાહન 3થી 4લોકો ચલાવતા હોવાથી જે વાહનચાલકને ઈ-ચલણ મળે છે તેને ધ્યાનમાં નથી લેતો.
read more: ‘રાજીવ ગાંધી 1971માં રજા પર ગયા હતા’, રાહુલ ગાંધીના સવાલ પર ભાજપનો વળતો જવાબ
પોલીસનું કહેવું છે કે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલકનો મોબાઈલ નંબર મળે તે પણ જરૂરી છે કારણકે જયારે ઈ-મેમો ઈશ્યુ થાય ત્યારે તેઓને મેસેજ કરીને જાણ કરી શકાય. તેમજ તેઓનો સંપર્ક કરીને દંડ ભરવા બાબતે જણાવી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ, જયારે ટ્રાફિક પોલીસ ચેકિંગ દરમિયાન રસ્તામાં વાહનચાલકને ઊભા રાખી ઈ-ચલણની બાકી રકમ ભરવાનું જણાવે ત્યારે મોટાભાગના વાહનચાલકો પૈસા ભરવા બાબતે સહમત થતા નથી.
આવી જ હાલત અમદાવાદ શહેરની છે. અમદાવાદમાં 2015થી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 72.54 લાખ ટ્રાફિક ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેની કુલ રકમ 253 કરોડ જેટલી થાય છે. જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 198 કરોડની ટ્રાફિક દંડની રકમ વસૂલવાની બાકી છે. માટે ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહનચાલકો પાસેથી બાકી દંડની રકમ વસૂલવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ ટ્રાફિકના દંડપેટે રૂપિયા 104 કરોડની રકમ વસૂલવાની બાકી છે.