સુરતના અડાજણ વિસ્તારમાં આજકાલ એક નવા આતંકનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે. આ આતંક છે એક બુરખાધારી મહિલાનો. આ મહિલા હાથમાં પાંચસોની નોટ લઈને દયામણા શબ્દોમાં પહેલા તો છુટ્ટા માંગે છે અને પછી હાથચાલાકી કરી વેપારીઓ પાસેથી પૈસા પડાવી રહી છે. અડાજણ વિસ્તારમાં ખાસ કરીને પાનનો ગલ્લો ચલાવતાં વેપારીઓને તેનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે.
અડાજણ સર્કલ પાસે એક ખુણામાં પાનનો ગલ્લો ચલાવતાં એક યુવક પાસે થોડા દિવસો પહેલાં એક મહિલા પહોંચી હતી. તેણે બુરખો પહેર્યો હતો. આ મહિલાએ ગલ્લાંવાળા પાસે રિક્ષાચાલકને આપવા 500 રૂ.ના છુટ્ટા માંગ્યા હતા. તેણે મહિલાની મદદ કરવાના ભાવથી 500ની નોટ લઈને છુટ્ટા પૈસા આપ્યા. છુટ્ટા લીધા બાદ આ નોટો જાણે ભૂલથી પડી ગઈ હોવાનો ડહોળ કરી પૈસા વીણી લીધા બાદ એ રકમ ઓછી હોવાનું કહી બાકીના પૈસા માંગ્યા. દુકાનદારે તેને પુરા પૈસા આપ્યા હોવાનું કહ્યું તો એવું ત્રાગું કર્યું કે લોકો એકઠાં થઈ ગયા અને ત્યાં પણ દયામણાં થતાં દુકાનદારે તેને વધારાના પૈસા આપવાની નોબત આવી. એ કદાચ તેની ભૂલ હશે એવું પણ માની લઈએ પરંતું એ જ વિસ્તારમાં આસપાસ બનેલી આ એક ઘટના ન હતી. દુકાનદારને ખબર પડી કે, આ દીટ્ટો મોડ્સ ઓપરેન્ડીથી આસપાસના ઘણાં વેપારીઓ તેનો ભોગ બની ચૂક્યા છે.
વાત ફેલાતાં, ત્યાંના વેપારીઓ તો સાવધ થઈ ગયા અને એ મહિલા ત્યાં હવે દેખાતી પણ નથી. પરંતુ વેપારીઓને શક છે કે, એ હવે અન્ય કોઈ વિસ્તારમાં પોતાની આ કસબ અજમાવતી જ હશે. આવો કડવો અનુભવ થયા બાદ પાન-ગુટખાં-સોપારીનો જથ્થાબંધ વેપાર કરતો વેપારી તેને ત્યાં આવતાં અન્ય વિસ્તારોના ગલ્લો ચલાવતાં લોકોને પણ તેનાથી વાકેફ કરી સાવચેત કરી રહ્યો છે.