ડિજિટલ પેમેન્ટની દુનિયામાં UPI એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. જે રીતે UPIએ ઓનલાઈન પેમેન્ટમાં ફેરફાર કર્યો છે, એ જ રીતે ભારતમાં ઓનલાઈન ઈ-કોમર્સની દુનિયામાં એક એવું પ્લેટફોર્મ લાવવાનો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો પ્રયાસ છે, જેનો લાભ મોટી સંખ્યામાં નાના રિટેલર્સને મળી શકે અને એમેઝોન અને વોલમાર્ટ જેવી કંપનીઓ પર પણ લગામ લગાવી શકાય છે. સરકારે પાંચ શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે.
ભારતે પાંચ શહેરોમાં ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ (ONDC)નો પાઇલટ તબક્કો શરૂ કર્યો છે. ONDC એ UPI-પ્રકારનો પ્રોટોકોલ છે અને સમગ્ર કવાયતનો ઉદ્દેશ્ય ઝડપથી વિકસતા ઈ-કોમર્સ ક્ષેત્રની પહોંચને દૂર-દૂરના વિસ્તારોમાં વિસ્તારવા, નાના રિટેલરોને મદદ કરવા અને ઓનલાઈન જાયન્ટ્સનું વર્ચસ્વ ઘટાડવાનો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “UPI પછી, વાણિજ્યનું લોકશાહીકરણ કરવા માટેનો બીજો આમૂલ પરિવર્તનનો વિચાર – ONDC આજે પસંદગીના ગ્રાહકો, વિક્રેતાઓ અને લોજિસ્ટિક્સ પ્રદાતાઓ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. પસંદગી, સગવડ અને પારદર્શિતાની દુનિયા માટે તૈયાર રહો.
પાયલોટ તબક્કાનો ઉદ્દેશ્ય પાંચ શહેરો – દિલ્હી NCR, બેંગલુરુ, ભોપાલ, શિલોંગ અને કોઈમ્બતુરમાં 150 રિટેલર્સને જોડવાનો છે. આ પહેલનો હેતુ બે મોટી બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપનીઓ (Amazon અને Flipkart)ના વર્ચસ્વને અંકુશમાં લેવાનો છે. આ કંપનીઓ દેશના અડધાથી વધુ ઈ-કોમર્સ વ્યવસાયને નિયંત્રિત કરે છે, બજારમાં પ્રવેશ મર્યાદિત કરે છે, થોડા વેચાણકર્તાઓને પ્રાધાન્ય આપે છે અને સપ્લાયર્સનું માર્જિન ઘટાડે છે.
આ અંગે વિગતો આપતાં, ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT)ના અધિક સચિવ અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ONDC એ ધોરણોનો સમૂહ છે જે વિક્રેતાઓ અથવા લોજિસ્ટિક્સ પ્રદાતાઓ અથવા પેમેન્ટ ગેટવે સ્વેચ્છાએ અપનાવી શકે છે. હાલમાં 80 કંપનીઓ ONDC સાથે કામ કરી રહી છે અને તેઓ એકીકરણના વિવિધ તબક્કામાં છે. આ કંપનીઓ વેચાણકર્તાઓ, ખરીદદારો, લોજિસ્ટિક્સ અથવા પેમેન્ટ ગેટવે માટે તેમની એપ્સ બનાવી રહી છે.