ગુજરાતમાં ધારાસભ્યો માટે દર વર્ષે રૂા. બે કરોડથી વધુનું સ્વવિવેક આધારિત ભંડોળ ફાળવણી થતું હોય છે. એ સિવાય ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ માટે વિવિધ ગ્રાન્ટની રકમ પણ ફાળવણી થતી હોય છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા સાથે જ રાજ્યની 14મી ધારાસભા હવે તેનો કાર્યકાળ પુરો કરશે ત્યારે જાણીને નવાઈ લાગશે કે, ધારાસભ્ય સ્થાનિક વિકાસ ગ્રાન્ટના રૂા. 272 કરોડની રકમ વપરાયા વગરની જ પડી રહી છે.
પાંચ વર્ષમાં ફાળવાયેલા રૂા. 176 કરોડની ગ્રાન્ટમાંથી 25% ગ્રાન્ટ હજી સુધી ધારાસભ્યોએ વાપરી નથી અને કમનસીબે આ ગ્રાન્ટ હવે લેપ્સ થઈ જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી ચૂંટણી લડી રહ્યા છે તેમના ઘાટલોડિયા મત વિસ્તારમાં પાંચ વર્ષમાં જે ગ્રાન્ટ વાપરવા યોગ્ય હોય તેમાં 27 ટકા રકમનો ઉપયોગ થયો નથી. .
વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી આ બાબતમાં ખાસ્સા એક્ટિવ પૂરવાર થયા છે. એ રીતે સૌથી વધુ સક્રિય ધારાસભ્યમાં સુખરામ રાઠવાનું નામ જેમણે વિકાસ ભંડોળમાંથી 91% રકમ ખર્ચી છે અને હાલ 8.31 ટકા રકમ જ તેઓએ ખર્ચ કરવાની બાકી રહે છે.
વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી તેમના મત વિસ્તારમાં લગભગ 70% થી વધુ ગ્રાન્ટ વાપરી શક્યા છે. એક તરફ ધારાસભ્યો અવારનવાર ફરિયાદ રકતા હોય કે તેમના મત વિસ્તારમાં પૂરતા ભંડોળની ફાળવણી થતી નથી આથી જ રાજ્ય સરકાર દ્વારા વારંવાર ધારાસભ્યોના મત વિસ્તાર માટે ખાસ ગ્રાન્ટ પણ ફાળવતા હોય છે પરંતુ મોટાભાગના ધારાસભ્યો આ રકમ વાપરીને લોકોની સુખાકારી ઊભી કરવામાં આળસ જ કરતા હોય છે.