રાજ્યમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલે આગામી મહિનાને લઈને અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. તેમજ આગામી કેટલાક દિવસ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ 45થી 50 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આજે સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગત ચાર-પાંચ દિવસથી બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળ ઉપર સ્થિર બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી છે, જે આગામી બેએક દિવસ દરમિયાન ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત પહોંચશે. જેના કારણે સાતમ-આઠમના શ્રાવણી મેળાના દિવસો દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. ચાલુ અઠવાડિયાથી શરૂ થયેલો વરસાદ આવતા અઠવાડિયાના મધ્યભાગ સુધી જોવા મળે તેવી શક્યતા છે. આમ ચાર-પાંચ દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે.
હવામાન નિષ્ણાતે કહ્યું કે, ‘ગણેશ ચર્તુથી દરમિયાન રાજ્યના અમુક સ્થળોએ સારો એવો વરસાદ પડી શકે છે. જ્યારે ભાદરવી પૂનમ સુધીમાં વરસાદી ઝાપટા રહેશે અને આગામી 23 સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.’