રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની તમામ જેલમાં ગત મોડી રાત્રે અચાનક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતાં ભ્રષ્ટ તંત્ર અને કેદીઓની સાંઠગાંઠ પર તવાઈ આવી છે. મોડી રાતથી શરૂ થયેલુ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. ઓપરેશન જેલ અંગે આજે સાંજે 5 વાગ્યે આ મામલે ગૃહ વિભાગની બેઠક મળશે. જેલમા ચાલતા જલસાં જ નહીં સાથે નશા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર કડક રિપોર્ટ તૈયાર કરી બેજવાબદાર અધિકારીઓ પર મોટા પાયે ગાજ વરસે એ માટે કમર કસવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત DGP ઓફિસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ગુપ્તરાહે આયોજન કરી તોબડતોબ ઓપરેશન જેલ શરૂ કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. DG સાથે 5 ADGP અને તમામ શહેરના CP આયોજનમાં જોડાયા હતા.
બોડીવોર્ન કેમેરાથી સજ્જ ટીમોએ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલોમાં સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન કેદીઓ અને ગુનેગારોની પણ તલાશી કરવામાં આવી હતી. બોડી-વર્ન કેમેરાથી સજ્જ ટીમો સાબરમતી જેલમાં યુપી માફિયા અતીક અહેમદની બેરેકમાં પહોંચી હતી. આ પછી સમગ્ર બેરેકની તલાશી લેવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ડેશબોર્ડ પર ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશન જેલ જોયું. રાજ્યમાં ગૃહ વિભાગ મુખ્યમંત્રી પાસે છે. તેના રાજ્ય પ્રભારીની જવાબદારી હર્ષ સંઘવી છે. ઓપરેશન જેલની ગુપ્તતાથી પોલીસ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગૃહમંત્રીએ સાંજે ડીજીપીને બેઠકનો સંદેશો પાઠવ્યો હતો. આ પછી, રાજ્યના પાંચ મોટા શહેરોના સીપી અને પાંચ ડીસીપી સહિત 100 પોલીસકર્મીઓને કંટ્રોલ રૂમને બોડી વર્ન કેમેરા સાથે જોડીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી ટીમોને વાહનોમાં બેસી જવા સૂચના આપવામાં આવી હતી. રાત્રે નવ વાગ્યા બાદ જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. માહિતી અનુસાર, સર્ચ ઓપરેશનમાં માફિયા અતીક અહેમદ, પૂર્વ IAS પ્રદીપ શર્મા, TMC નેતા સાકેત ગોખલે સહિત અન્ય અપરાધીઓની તલાશી કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશનમાં જેલમાંથી મોબાઈલ, ગાંજા, હેરોઈન ઉપરાંત અન્ય ઘણી વસ્તુઓ મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ઓપરેશન જેલ બાદ હવે જેલ સત્તાધીશો પર વિજળી પડશે એ નક્કી છે. ગુજરાતમાં 7 જિલ્લા જેલો, 11 સબ જેલ અને 1 મહિલા જેલ સાથે 2 ઓપન જેલ અને 2 ખાસ જેલો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે અચાનક જ ડીજીપી વિકાસ સહાય ઉપરાંત આઈબી વડા અનુપમસિંહ ગેહલોત, હોમ સેક્રેટરી નિપુણા તોરવણે, કાયદો-વ્યવસ્થાના એડીપીજી નરસિમ્હા કોમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સાંજે સાત વાગ્યે એક બેઠક બોલાવી હતી. પહેલાં તો આ બેઠક અંગે કોઈને જાણ ન હતી પરંતુ ધીમે ધીમે ગૃહમંત્રીની કોઈ બેઠક ચાલી રહ્યાની વાત બહાર આવતાં આખરે આ બેઠક બોલાવવાનો હેતુ શું હશે તેને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડી લીધું હતું. જો કે છેવટ સુધી આ અંગે કશું જ બહાર આવ્યું નહોતું ત્યારબાદ 8:20 વાગ્યે આ બેઠક પૂર્ણ થયા બાદ દરેક શહેરના પોલીસ કમિશનર તેમજ જિલ્લા એસપીને જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાનો આદેશ અપાયા બાદ ગૃહમંત્રી ઉપરાંત ડીજીપી અને આઈબી વડા સહિતના અધિકારીઓ ગાંધીનગર સ્થિત ત્રિનેત્ર મોનિટરિંગ રૂમ પહોંચ્યા હતા અને ત્યાંથી તમામ જેલ ચેકિંગનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. એકંદરે 7 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધીમાં એક પણ પોલીસ અધિકારીને આ પ્રકારનો આદેશ છૂટશે તેની કલ્પના પણ ન હતી.
જેલ ઉપર સ્ટ્રાઈક કરવાનો ગાંધીનગરથી આદેશ છૂટ્યા બાદ કોઈ દ્વારા ચેકિંગની માહિતી ‘લીક’ ન થઈ જાય તે માટે ચેકિંગમાં જનારા તમામ પોલીસ સ્ટાફના મોબાઈલ જમા કરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ સ્ટાફને ડ્રેસમાં જ આવવા માટે આદેશ આપવામાં આવ્યા હોવાથી આખરે કરવાનું શું હશે તેને લઈને તરેહ તરેહની ચર્ચાએ જોર પકડી લીધું હતું. આ ઉપરાંત સ્ટાફને કોઈ પ્રકારની જાણ સુદ્ધા ન હોવાથી કોઈને એમ લાગ્યું હતું કે મોટી ટ્રાફિક ડ્રાઈવ કરવાની હશે તો કોઈને એમ લાગ્યું કે હોટેલ સહિતનું ચેકિંગ કરવાનું હશે. જો કે તમામને સીધા જેલમાં જ લઈ જવામાં આવતાં આખરે ખુલાસો થયો હતો કે જેલમાં ચેકિંગ કરવાનું છે !
તમને જણાવી દઈએ કે, ઓપરેશન જેલ હેઠળ હાથ ધરાયેલા મેગા સર્ચ ઓપરેશનમાં રાજ્યની મોટાભાગની જેલમાંથી ગેરરીતિઓ ઝડપાતાં આ તંત્રના વ્યાપક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે. જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ અવારનવાર થતાં રહે છે અને એ દરમિયાન પણ મોબાઈલ ફોન અને મોજશોખની વ્યસનની વસ્તુઓ મળતી હોય છે પરંતુ સમગ્ર રાજ્યમાં એકસાથે આ પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવે એ રાજ્યની આ પ્રથમ ઘટના છે. જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન ઉજાગર થયેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. દોષિત સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી સુધીના પગલાં ભરાય એવી શક્યતા છે.
ઓપરેશનમાં જોડાયેલા પોલીસ સુત્રોએ ગુજરાત બ્રેકિંગને જણાવ્યા અનુસાર, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી સારા એવા પ્રમાણમાં ગુટખા અને તમાકુની પડીકીઓ અને સિગરેટ સહિતનો મુદામાલ ઝડપાયો છે. સુરતની લાજપોર જેલમાં તો એ સ્થિતિ હતી કે, પોલીસ ચેકિંગ હાથ ધરવા પહોંચી તો કેદીઓએ ભારે ઉધામો મચાવી દીધો હતો અને જેલમાં તોડફોડ કરી દીધી હતી. આ હિમ્મત ક્યાંથી આવી એ જાણી ઓપરેશન ટીમ પણ દંગ રહી ગઈ હતી. રાત્રે શરૂ થયેલ સર્ચ ઓપરેશનની કાર્યવાહી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. જેલમાંથી મોબાઈલ ફોન અને ગુટખા સાથે ગાંજા અને ચરસની પડીકીઓનો જથ્થો પણ મળી આવ્યો હોવાની વિગતો મળી રહી છે.
તો આ તરફ વડોદરા જેલમાં સવારે 7 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ હતુ.બે ઉચ્ચ અધિકારીઓની ટીમ વહેલી સવારે સર્ચ પૂરું કરી બહાર આવી. મહિલા કેદી સહિત 1700 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પણ ગુટખા પડીકી,છૂટી તમાકુ અને બીડી બનાવવા માટેના સૂકા પાંદડા મળી આવ્યા હતા. જોકે વડોદરા જેલના અધિકારીઓને ગૃહ વિભાગનો રિપોર્ટ આવે અને તેની વિગતો જાહેર થાય એ પૂર્વે બચાવમાં કેટલાક તત્વો મેદાનમાં આવતાં લોકોમાં ભારે ચર્ચાઓ વહેતી થઈ છે. અન્ય જેલો અંગે પણ સત્તાવાર વિગતો જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી હાથ ધરાયેલા આ મેગા ઓપરેશનમાં અનેક દોષિતો પર તવાઈ આવી શકે છે એ નક્કી છે.