વડાપ્રધાન મોદીએ ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે મેગા ઈકોનોમિક કોરિડોર શરૂ કરવાની જાહેરાત કરી. આ પ્રોજેક્ટમાં ભારત, UAE, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને અમેરિકા સામેલ થશે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે આજે અમે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ભાગીદારીમાં પહોંચ્યા છીએ. આવનારા સમયમાં ભારત, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક સહયોગનું આ એક મોટું માધ્યમ બની રહેશે. આ કોરિડોર સમગ્ર વિશ્વની કનેક્ટિવિટી અને ટકાઉ વિકાસને નવી દિશા પ્રદાન કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ લોન્ચ વિશે કહ્યું કે આ એક મોટી વાત છે. આવનારા દાયકાઓમાં આ ઈકોનોમિક કોરિડોર વિશે બધા સાંભળતા હશે. બિડેને એમ પણ કહ્યું કે આ કોરિડોર હેઠળ અમે જહાજો અને રેલ ક્ષેત્રે રોકાણ કરીશું. જે ભારતને યુરોપ, UAE, સાઉદી અરેબિયા, જોર્ડન અને ઈઝરાયેલ સાથે જોડશે. આ આપણી વચ્ચે વ્યાપાર કરવાનું વધુ સરળ બનાવશે. આ માટે હું પીએમ મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની અને અન્ય નેતાઓ કોરિડોરના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.
આ આર્થિક કોરિડોરમાં રેલ અને પોર્ટ નેટવર્ક બનાવવામાં આવશે. જેમાં સાત દેશો પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હેઠળ રોકાણ કરશે. તેને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (BRI)ની તર્જ પર મહત્વકાંક્ષી યોજના માનવામાં આવી રહી છે. યુરોપિયન કમિશનના પ્રમુખ દ્વારા તૈયાર કરાયેલ સંબંધિત દસ્તાવેજને ખંડો અને સંસ્કૃતિઓ વચ્ચે ગ્રીન અને ડિજિટલ સેતુ તરીકે ગણવામાં આવે છે. આ યોજનામાં ડેટા, રેલ, પાવર અને હાઇડ્રોજન પાઇપલાઇન પ્રોજેક્ટ સામેલ હશે. આ પ્રોજેક્ટ UAE, સાઉદી અરેબિયા, જોર્ડન અને ઇઝરાયેલ સહિત મધ્ય પૂર્વમાં રેલ્વે અને બંદર સુવિધાઓને જોડશે. તેનાથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં 40 ટકાનો વધારો થશે. અગાઉ, બિડેનના પ્રિન્સિપલ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જોન ફાઈનરે પત્રકારોને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગેપને પૂરો કરશે અને તે પારદર્શક, ટકાઉ, ઉચ્ચ-વર્ગનો પ્રોજેક્ટ પણ હશે. વાસ્તવમાં, ચીનના BRIમાં ગલ્ફ દેશો મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, તેથી નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રોજેક્ટ G20 સમિટમાં બિડેન માટે મોટી સફળતા છે.
ભારત-યુએસ પાર્ટનરશિપ માટે મિડલ ઈસ્ટ સપોર્ટ સંપૂર્ણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ખાસ કરીને બીઆરઆઈ હેઠળના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં ચીનનું વર્ચસ્વ હોવાથી તે દેશો પણ આ પ્રોજેક્ટમાં જોડાવા માંગે છે, જેમાં ઈરાન પણ સામેલ થઈ શકે છે કારણ કે આ કોરિડોર તેમને ગલ્ફ અને યુરોપમાં સીધો પ્રવેશ આપશે. આનાથી ચીનની મુશ્કેલીઓ જ વધશે.