પાકિસ્તાનમાં આઝાદીના 75 વર્ષ સુધી કોઈ હિન્દુ મહિલા DSP બની નથી. પરંતુ પાકિસ્તાનના ખૂબ જ પછાત વિસ્તાર જકુબાબાદની રહેવાસી મનીષાએ પોતાની મહેનતથી એ બતાવ્યું છે જે આજ પહેલા ક્યારેય કોઈએ કર્યું ન હતું. મનીષા રૂપેતા પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા DSP છે. પાકિસ્તાનમાં સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી એ એક હિંદુ છોકરી માટે મહા સિદ્ધિ છે. મનીષાએ જે સ્થાન હાંસલ કર્યું છે ત્યાં સુધી પહોંચવાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તે ક્યારેય અટકી નહીં અને સખત મહેનત કરતી રહી.
મનીષા જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પિતાના મૃત્યુ પછી મનીષાની માતાએ હિંમત બતાવી અને સારા ભવિષ્ય માટે પાંચ બાળકો સાથે કરાંચી આવી. પોતાના જૂના દિવસોને યાદ કરતાં મનીષા કહે છે કે જકુબાબાદમાં છોકરીઓને લખવા-વાંચવાની છૂટ નહોતી. જો કોઈને ભણવું હોય તો પણ તેની પાસે માત્ર મેડિકલનો અભ્યાસ કરવાનો વિકલ્પ હતો. મનીષાએ કહ્યું કે તેની ત્રણ બહેનો MBBS ડોક્ટર છે. તેનો એકમાત્ર અને નાનો ભાઈ પણ મેડિકલ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.
મનીષાએ પોતાની બહેનોની જેમ એમબીબીએસની પરીક્ષા આપી હતી. પરંતુ ઓછા માર્કસને કારણે તે ક્લિયર કરી શકી ન હતી. બાદમાં તેણે ડોક્ટરેટ ઑફ ફિઝિકલ થેરાપીની ડિગ્રી મેળવી. પરંતુ તેને પોલીસનો યુનિફોર્મ પસંદ હોવાથી તેણે ઘરે કોઈને જાણ કર્યા વિના સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. તેણે સખત મહેનત કરી પરીક્ષામાં 16મો રેન્ક મેળવ્યો.
મનીષાએ કહ્યું, ‘મેં જોયું છે કે સામાન્ય રીતે મહિલાઓ પોલીસ સ્ટેશન અને કોર્ટની અંદર નથી જતી. અહીં જે મહિલાઓ આવે છે તે પુરુષો સાથે આવે છે. સારા પરિવારની છોકરીઓ પોલીસ સ્ટેશને નથી જતી. મેં મહિલાઓને સશક્ત બનાવવા આ વ્યવસાય પસંદ કર્યો છે.