સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ વર્દીમાં એક વ્યક્તિ DTC બસની અંદર એક મહિલા પર હુમલો કરી રહ્યો છે. મહિલા દર્દથી પીડાઈને ચીસો પાડી રહી છે. અસહ્ય મારપીટ કંપારી છૂટી જાય એવી છે. ત્યાં હાજર એક વ્યક્તિએ બહાદુરી બતાવીને પીડિતાને બચાવી હતી અને તેને બસમાંથી ઉતારી હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ મહિલાને બસમાં નાખીને જાનવર બનીને મારી રહ્યો છે. આ દરમિયાન મહિલા પણ ચીસો પાડી રહી છે મદદ માંગી રહી છે, પરંતુ લાંબા સમય સુધી કોઈ તેની મદદ કરી રહ્યું નથી. થોડા સમય પછી, એક વ્યક્તિએ વર્દીધારી હેવાનને માથા પર હેલ્મેટ વડે ઘણી વાર ફટકારીને મહિલાથી અલગ કરી દીધો.
બસની અંદર જ્યારે લડાઈ થઈ રહી હતી ત્યારે બસ ઊભી હતી અને બસના કંડક્ટર સહિત અનેક લોકો ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા હતા.બંનેને નીચે ઉતારવામાં આવ્યા ત્યારે મહિલા કહેતી હતી કે આ વ્યક્તિએ તેની સાથે છેતરપિંડી કરી છે અને બીજી વખત લગ્ન કર્યા છે અને અમારો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ વાયરલ વીડિયો પર દિલ્હી પોલીસનું કહેવું છે કે આ વીડિયો એક-બે દિવસ જૂનો છે અને રાજઘાટ નજીકનો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા અને પુરુષ પતિ-પત્ની છે. બંને વચ્ચે ઘરેલુ વિવાદ ચાલી રહ્યો છે અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ આ હેવાનને સજા અપાવે એ બેહદ જરૂરી હોવાની કોમેન્ટથી સોશિયલ મીડિયા ઊભરાઈ રહ્યું છે.