મનોરંજનથી ભરપૂર અને ઢોલીવુડમાં નવો જ ચીલો ચાતરતી ફિલ્મ “ગજબ થઈ ગયો”, દરેક જનરેશનને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરનો ક્રેઝ ગુજરાતની યુવા પેઢીમાં અભૂતપુર્વ છે. ત્યારે ફિલ્મ “ગજબ થઈ ગયો”ના પ્રમોશન માટે અભિનેતા મલ્હાર ઠાકર રાજકોટમાં જાણિતા એવા યુનિવર્સલ શૈક્ષણિક સંકુલમાં એન્ટ્રી મારતાં સંકુલના બાળકોમાં જબરદસ્ત ઉત્સાહ ફરી વળ્યો હતો, બાળકો જ નહીં સમગ્ર શૈક્ષણિક સંકુલ માટે એ ગજબ થઈ ગયો જેવું જ વાતાવરણ હતું.
કોરોના બાદ બે વર્ષે સ્કુલે પહોંચેલા બાળકો માટે તો આ લ્હાવો ચોક્કસ જ એક ઉત્સવ સમાન હતો તો ફિલ્મ અભિનેતા મલ્હારે શાળા સંચાલકો અને સ્ટાફનો આ તક બદલ આભાર માની બાળકો સાથે યાદગાર પળો પસાર કરી હતી.
પોતાના ફેવરીટ સ્ટાર મલ્હાર ઠાકરે સ્કૂલમાં આવ્યા હોવાનું જાણવા મળતાં જ યુનિવર્સલ સ્કૂલના બાળકો કિકિયારીથી તેમને વધાવવા લાગ્યા હતા. તેમનો આનંદની કોઈ સીમા ન હતી. સતત અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી યુનિવર્સલ સ્કુલમાં મલ્હાર ઠાકરે બાળકો સાથે ગમ્મત અને જ્ઞાન શેયર કર્યા હતા. મલ્હારે આ બાળકોને ગુજરાતી ભાષાની ગરિમા જાળવવા ખુબ સુંદર રીતે આગ્રહ કર્યો હતો.
બાળકોમાં રચનાત્મક પ્રવૃત્તિ પ્રત્યે રૂચી કેળવાય તેની સમજ આપી હતી. ભાષાની સાથે આ ફિલ્મમાં વિજ્ઞાનને પણ જોડવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને આ ફિલ્મ ખૂબ જ ગમી જાય એવી છે. મલ્હાર ઠાકરે પરિવાર સાથે આ ફિલ્મ જોવા અપીલ કરી હતી.
લગભગ 15થી 20 મિનિટની મુલાકાત દરમિયાન મલ્હાર ઠાકરે રાજકોટની યુનિવર્સલ સ્કૂલમાં સૌને હળવુંફૂલ મનોરંજન પુરું પાડવા સાથે અનેક વિષયો પર વાતચીત કરી હતી અને ઓટોગ્રાફ અને સેલ્ફી પણ છૂટથી આપતાં બાળકોને આનંદ થઈ ગયો હતો. યુનિવર્સલ સ્કૂલના સંચાલકોનો મલ્હારે બાળકો સાથેના આ સરસ મજાના સમય માટે આભાર વ્યક્ત કર્યો હતો.