દિવાળીની રજાઓ જોતજોતામાં સામે આવી જશે. સુરત, મુંબઈ સહિતના મોટા શહેરોમાં રોજીરોટી માટે બહારથી આવીને વસેલા લોકો પોતાના વતનની વાટ પકડશે અથવા તો ક્યાંક ફરવા પણ નીકળશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત., મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના સેન્ટરો માટે એસટી તંત્ર વધારાની બસો દોડવવા તૈયારી કરી ચૂક્યું છે છતાંય હાલત એ હોય છે કે, લોકોએ ખાનગી બસોના ભરોસે જ રહેવું પડે છે અને એ સંચાલકો બમણું કે તેથી વધુ ભાડું વસૂલી લોકને ઠાંસી ઠાંસીને લઈ જવામાં કોઈ કસર છોડતું નથી. દર વર્ષે જ આ સિનારિયો હોય છે અને એ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
આમ તો આ વીડિયો નાગપુર-પૂણે રૂટનો છે પરંતુ આવા અનુભવો મોટાભાગે દરેક રૂટ પર જીવનમાં ક્યાંકને ક્યાંક દરેકને થયા છે. આ વીડિયોમાં એક બસ ડ્રાઈવર પોતાના મોબાઈલ ફોન પર વીડિયો જોઈને બસ ચલાવતો હોવાથી મુસાફરોના જીવ જોખમમાં મૂકતો જોઈ શકાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મુસાફરોના જીવ જોખમમાં છે. બસ ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને ડ્રાઈવર મહાશય કાનમાં હેન્ડ્સ ફ્રી રાખીને મોબાઈલ ફોન પર વીડિયો જોઈ રહ્યો છે.
બસ ખૂબ જ સ્પીડમાં આગળ વધી રહી હતી અને બસનો ડ્રાઈવર બસના સ્ટિયરિંગ પાસે ફોન રાખીને મોબાઈલ ફોન પર વીડિયો જોઈ રહ્યો હતો અને બસ ક્યાં જઈ રહી છે તેની તેને પરવા ન હતી. એ મહાશય પોતાના મોબાઈલમાં જ મશગૂલ હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બસ પહેલી લેનથી મિડલ લેનમાં ગઈ અને ડ્રાઈવર તેના ફોન પર વીડિયો જોઈ રહ્યો હતો અને રસ્તા તરફ જોઈ રહ્યો ન હતો. આવા ખતરનાક સ્ટંટ કરીને ડ્રાઇવરે પોતાનો અને મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હતો. તમને પણ જો આવા કોઈ અનુભવો થયા હોય તો અહીં શેર કરી શકો છો.