ભારતીય જીવન વીમા નિગમ (LIC) નો IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ ઈશ્યૂ 4 મે થી 9 મે સુધી ખુલ્લો રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે તમે શનિવારે પણ આ ઇશ્યૂમાં પૈસા રોકી શકશો. જણાવી દઈએ કે શનિવાર અને રવિવારે માર્કેટમાં ટ્રેડિંગ બંધ રહે છે, પરંતુ હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ રોકાણકારો શનિવાર 7 મેના રોજ પણ આ ઈશ્યૂને સબસ્ક્રાઈબ કરી શકશે.
તમને જણાવી દઈએ કે LICનો IPO 21,000 કરોડ રૂપિયાનો છે. સરકાર તેમાં પોતાનો 3.5 ટકા હિસ્સો વેચી રહી છે. એલઆઈસીએ તેના ઈશ્યુ માટે શેરની કિંમતની શ્રેણી 902-949 રૂપિયા નક્કી કરી છે. આમાં કેટલાક શેર હાલના પોલિસીધારકો અને LICના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. રિટેલ રોકાણકારો અને કંપનીના કર્મચારીઓને શેર દીઠ રૂ. 45 અને પોલિસીધારકોને પ્રતિ શેર રૂ. 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. LICના શેર 17 મેના રોજ માર્કેટમાં લિસ્ટ થાય તેવી શક્યતા છે.
LIC IPO માટે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બિડિંગના 1 કલાકની અંદર ઇશ્યૂ 12% સબસ્ક્રાઇબ થયો છે. અગાઉ, તેને એન્કર રોકાણકારો તરફથી બમ્પર બિડ પણ મળી છે. LIC IPO એ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,620 કરોડનું સબસ્ક્રિપ્શન મેળવ્યું છે.