સુરતમાં છૂટ્ટા હાથની મારામારીનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પતિ-પત્નીના ઝગડાથી શરૂ થઈ જાહેરમાં જ કોઈ શેહશરમ વગર સંસ્કાર વિહોણાં થઈ બે પક્ષે છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચેલો જણાય છે. પતિ-પત્ની વચ્ચે તકરાર હોવું એ સામાન્ય બાબત છે પરંતુ તેમાં ભાન ભૂલી બેફામ આ રીતે ઝગડવું એ આસપાસના લોકો માટે ભારે દુઃખદ ચર્ચાનો વિષય બની રહ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ આ ઝગડા અંગે તરેહ-તરેહની ચર્ચાઓ જોવા મળી રહી છે. હકીકતમાં લોકો તેમની ધીરજ ગુમાવી સમાજ અને પરિવાર તોડી રહ્યા હોવાનો બળાપો લોકો કોમેન્ટમાં ઠાલવી રહ્યા છે.
આ વીડિયોની બીજી એક ચોંકાવનારી બાબત એ પણ છે કે, મારામારી આ દ્રશ્યો જ્યાં સર્જાયા એ સ્થળ ડીંડોલી પોલીસ સ્ટેશનના ગેટ પરનું જ કહેવાય છે. જો આ હકીકત હોય તો રક્ષકો માટે પણ સમાજની દ્રષ્ટિએ આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે એમાં બેમત નથી. ઘટના અંગે આ વિસ્તારના જ સામાજિક બાબતોના જાણકાર પૂર્ણિમા પાટીલ જેઓ આદ્યાત્મિક રીતે પણ નામના ધરાવે છે એમનું કહેવું છે કે, તેમણે આ દુર્ભાગ્યપૂર્ણ વીડિયો જોયો. વીડિયો જોઈને લાગે છે કે કોઈ પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની આ ઘટના છે. પરંતુ દરેક સ્તરે આવી ઘટનાઓ સમાજમાં હવે વધી રહી છે. હકીકતના મૂળમાં ઉતરીએ તો, સમાજ અને ધર્મ એકબીજાના પૂરક રહ્યા છે. ધર્મ સંસ્કાર વગરનો પરિવાર પશુના ટોળાં જેવો બની જાય છે. ધર્મ જ છે જે આપણા મુક્ત વિચારોને નિયંત્રિત કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પરિવારમાં તહેવારો, વ્રત, પૂજા, કીર્તન વગેરે હોય છે. પાઠપૂજા એ પરિવારના સભ્યોની દિનચર્યાનો એક ભાગ હોય ત્યાં કોઈ વિખવાદ ઊભા નથી થતાં. એટલે જ બાળપણથી જ બાળકોને ઘરમાં યોજાતી પૂજાનો ભાગ બનાવવામાં આવે એ કૌટુંબિક સંસ્કાર હોય છે. આજે ધર્મનું સ્વરૂપ બદલાયું છે, એ દેખાડા અને સ્વાર્થવૃત્તિથી વિશેષ કંઈ નથી. માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ એ વિશ્વનો સૌથી પવિત્ર અને કોમળ સંબંધ માનવામાં આવે છે, પરંતુ એક પરિવારમાં શિસ્તમાં રહો ત્યાં સુધી, દરેકને પોતાની વાત સાચી લાગવા માડે અને દરેક પોતાને જ સમજદાર માને અને એકબીજા પર હાવી થાય ત્યારે મતભેદ અને તણાવના વાદળો ઘેરાય છે. આ તણાવ ક્યારેક લાંબા સમય સુધી વધતો જ રહે છે, જેમાં નાની નાની બાબતો પર બળતરાથી શરૂ થઈ અસંસ્કારી ઝગડાઓ સુધી જતાં શેરીઓ અને રસ્તા પર આ રીતે ઊતરી આવે છે.