શહેર પોલીસ માટે શેરી ક્રિકેટ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું એ નવી વાત નથી. શહેરની સુલેહશાંતિ માટે અન્ય જાહેરનામાની જેમ એ વખતોવખત વર્ષોથથી બહાર પાડવામાં આવે છે. જોકે, આ વખતે આ વખતે શેરી ક્રિકેટ પર પ્રતિબંધની વાતો જોરમાં ફેલાઈ. હકીકતમાં એ કેટલાક તત્વોની શરારત છે જેના કારણે તેને અલગ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ વાતને વધારે પડ઼તી ચગાવવા પાછળ ચોક્કસ રમત રમાઈ રહી હોવાની ગંધ આવતાં પોલીસ પણ સતર્ક થઈ છે.
શહેર પોલીસ ભાડૂઆત, હથિયારબંધી, ટોળામાં એકત્રિત થઈને સુત્રોચ્ચાર કરવા જેવી અનેક પ્રવૃત્તિ જે શહેરની શાંતિને ખલેલ પહોંચાડી શકે તેના પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું સમયાંતરે બહાર પાડે છે એ એક રૂટિન પ્રોસેસ છે જેનાથી લોકો સતર્ક રહે અને અડચણરૂપ પ્રવૃત્તિથી દૂર રહે. ભાડૂઆતની વિગતો સહિતના આ જાહેરનામામાં એક છે એક છે શેરી ક્રિકેટ પરનો પ્રતિબંધ. આ જાહેરનામું હમણાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે કેમકે એ એક રૂટિન પોલીસ પ્રક્રિયા હોવા છતાંય સોશિયલ મીડિયામાં જાણી જોઈને વધારે પડતું ઉછાળવામાં આવ્યું છે.
આવું કેમ થયું એ જાણવા પૂર્વે સમજી લઈએ કે, શેરી ક્રિકેટ સામે પોલીસનું વલણ કેવું હોય છે. શહેરના એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરમાં મેદાનનો અભાવ હોવાથી છોકરાઓ શેરી પર ક્રિકેટ રમવા મજબૂર બનતાં હોય છે. એ લોકો પાસે બીજો ઓપ્શન નથી. પોલીસ એ લાગણી ધ્યાનમાં રાખીને મોટેભાગે યુવાધનના હિતમાં કૂણું વલણ રાખતું હોય છે પરંતુ એ વાતનું ખુબ ચોક્કસાઈથી ધ્યાન રખાતું હોય છે કે, એ રમતના કારણે ટ્રાફિક સહિતની બાબતોમાં કોઈને ખલેલ નથી પહોંચી રહી. જો આસપાસના રહીશો ફરિયાદ કરે છે તો પોલીસ ત્યાં પહોંચીને કાર્યવાહી કરવામાં કચાશ નથી છોડતી.
સરકારી ઓફિસો કે જાહેર સંસ્થાઓની આસપાસ જો ન્યૂસન્સ ફેલાતું લાગે તો પણ પોલીસ અહીં ધ્યાન રાખે છે. જોકે, આ વખતે પોલીસ જાહેરનામું ચગવાનું કારણ આ પૈકીનું એક પણ નથી. એ અસહજ હોવાથી પોલીસ પણ ચોકન્ની થઈ છે. પોલીસ અને અમુક તત્વો સિવાય ભાગ્યે જ લોકો જાણતા હશે કે શેરી ક્રિકેટના ન્યુસન્સ પાછળ ઘણાં સ્થળોએ એક મોટી રમત ચાલી રહી છે. ખાસ કરીને વાડીફળીયા, અંબાનગર, લિંબાયત જેવા વિસ્તારોની ગલીઓમાં જુઓ તો છોકરાઓ ટાઈમ-કટાઈમ બેટ ટીચવામાં વ્યસ્ત હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યાં રમાતી ક્રિકેટ એ આસપાસ ચાલતાં દારૂના અડ્ડાઓને પ્રોટેક્ટ કરવાની એક મોડસ ઓપરેન્ડી છે. પોલીસ આવતાં ક્રિકેટ રમતાં છોકરાઓ ડરવાના નામે દોડધામ મચાવીને અંદર ચાલતાં અડ્ડાધારકોને એલર્ટ કરવાનું કામ કરતાં હોય છે. ઘણી વખત એક જ ગલીની સાંકડી જગ્યામાં બે-ત્રણ ટીમો એ રીતે ગૂંચવાડો કરીને રમતી જોવા મળે છે કે જાણકાર ન હોય એ લોકોને આશ્ચર્યથી ચકિત થાય છે.
છેલ્લા સાત-આઠ મહિનાથી ખટોદરા, ઉધના અલથાણ જેવા પોલીસ મથકોની હદવિસ્તારોમાં દારૂના ધંધાની હાલત ઘણી વિચીત્ર છે. સ્ટેટ વિજીલન્સ અને સ્થાનિક પોલીસ વચ્ચેના રાજકારણમાં અન્ય તમામ પોલીસ મથકની હદ વિસ્તારોમાં ધમધમાટ હોવા છતાંય આ વિસ્તારોમાં લગભગ ડ્રાય જેવી સ્થિતિ છે. એવામાં આ શેરીઓમાં ક્રિકેટની રમત પણ બંધ જેવી છે. કોલાહોલ નથી વર્તાઈ રહ્યો એવામાં સોશિયલ મીડિયા પર કેટલાક તત્વોએ ચગાવેલું શેરી ક્રિકેટનું જાહેરનામું ચોક્કસ બૂટલેગરોની શરારત હોવાની ચર્ચા જોરમાં ચાલતાં પોલીસ પણ ચોકન્ની થઈ છે.