માતાની હત્યા કરનાર ઘાતકી પુત્રની ફાંસીની સજાને બોમ્બે હાઈકોર્ટે યથાવત રાખી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 2017માં બનેલા આ હત્યા કેસમાં આરોપી પુત્રએ દારૂના પૈસા આપવાનો ઇનકાર કરતા તેની માતાની હત્યા કરી હતી. આ પછી તેના શરીરના ભાગોને બહાર કાઢીને રાંધીને ખાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
વાત 2017ની છે. બોમ્બે હાઈકોર્ટે કોલ્હાપુર કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું છે જેમાં રાક્ષસ પર તેની માતાની હત્યા કરવાનો અને તેના શરીરના કેટલાક ભાગોને કથિત રીતે ખાવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. નીચલી અદાલતે તેને ફાંસીની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે આ નરભક્ષીતાનો મામલો છે.
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે કહ્યું કે દોષિત સુનીલ કુચકોરવીની ફાંસીની સજાની પુષ્ટિ થઈ છે. બેન્ચના જણાવ્યા અનુસાર, દોષિત માટે સુધારણાની કોઈ શક્યતા નથી. હાઈકોર્ટે કહ્યું, ‘આ કેસ રેરેસ્ટ કેટેગરીમાં આવે છે. દોષિતે માત્ર તેની માતાની જ હત્યા કરી ન હતી, પરંતુ તેણે તેના શરીરના અવયવો – મગજ, હૃદય, લીવર, કિડની, આંતરડા પણ બહાર કાઢ્યા હતા અને તેને એક વાસણમાં રાંધતો હતો.
ખંડપીઠે કહ્યું, ‘તેણે તેની પાંસળીઓ રાંધી હતી અને તેના હૃદયને પણ રાંધવાનો હતો. આ નરભક્ષીતાનો મામલો છે.’ હાઈકોર્ટે કહ્યું કે ગુનેગારમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી કારણ કે તે નરભક્ષી વર્તન કરવાની વૃત્તિ ધરાવે છે. બેંચે કહ્યું, ‘જો તેને આજીવન કેદની સજા થાય છે, તો તે જેલમાં પણ આવો જ ગુનો કરી શકે છે.’
દારૂ માટે માતાની હત્યા
ફરિયાદ પક્ષ અનુસાર, સુનીલ કુચકોરવીએ 28 ઓગસ્ટ 2017ના રોજ કોલ્હાપુર શહેરમાં 63 વર્ષીય માતા યલ્લામા રામા કુચકોરવીની તેના ઘરે નિર્દયતાથી હત્યા કરી હતી. બાદમાં, તેણે શરીરના ટુકડા કરી નાખ્યા અને કેટલાક અવયવોને તપેલીમાં તળીને ખાધા. ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે આરોપીની માતાએ તેને દારૂ ખરીદવા માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. સુનીલ કુચકોરવીને કોલ્હાપુર કોર્ટે 2021માં મૃત્યુદંડની સજા ફટકારી હતી.
તે યરવડા જેલમાં (પુણે) બંધ છે. સેશન્સ કોર્ટે તે સમયે કહ્યું હતું કે આ કેસ રેરેસ્ટ કેટેગરીમાં આવે છે અને આ જઘન્ય હત્યાએ સામાજિક ચેતનાને હચમચાવી દીધી છે. દોષિતે તેની સજા અને ફાંસીની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી.